કૃષિ-કાનૂનોમાં ‘કાળું’ શું એ તો વિપક્ષ જણાવેઃ તોમર

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનની વચ્ચે સંસદમાં બજેટ સત્ર જારી છે, ત્યારે ભાજપે રાજ્યસભામાં કહ્યું હતું કે કૃષિ કાયદાઓને લાંબા વિચારવિમર્શ પછી લાવવામાં આવ્યા છે અને એની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. કૃષિપ્રધાન નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે વિપક્ષ સરકારને ખેડૂત આંદોલનને મુદ્દે ઘેરી રહ્યો છે અને ત્રણે કાયદાને ‘કાળા’ જણાવી રહ્યા છે. જોકે તેમણે સવાલ કર્યો હતો કે આ કાયદામાં કાળું (નકારાત્મક) શું છે- એ તો વિપક્ષ જણાવે. તમે જણાવો કાયદામાં ખોટું શું છે, એને અમે ઠીક કરીશું. આ કાયદામાં ખેડૂતો માટે પ્રતિકૂળ શું છે, એ કોઈએ નથી જણાવ્યું. નવા કાયદા હેઠળ ખેડૂત ઊપજ ક્યાંય પણ વેચી શકે છે. જો એપીએમસીની બહાર કોઈ સોદો થાય તો એના પર ટેક્સ નહીં લાગે.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કાયદા રાજ્ય સરકારના ટેક્સને ખતમ કરે છે, પણ રાજ્ય સરકારના કાનૂન ટેક્સની વાત કરે છે. જે ટેક્સ લેવા ઇચ્છે છે- આંદોલન તેમની સામે હોવું જોઈએ, પણ ઊલટી ગંગા છે. અમે ખેડૂત સંગઠનો સાથે 12 વખત વાત કરી છે. અમે વારંવાર કરી રહ્યા છીએ તમે શું બદલાવ ઇચ્છો છો, એ તમે જણાવો. અમારી સરકાર કાનૂનમાં બદલાવ કરી રહી છે, એનો અર્થ એ નથી કે કૃષિ કાનૂન ખોટા છે.