આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા (US) અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ અને યુદ્ધની સીધી આર્થિક અસર હવે ભારતના સામાન્ય નાગરિકોને મોંઘવારી સ્વરૂપે સહન કરવી પડી રહી છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની સાથે-સાથે કોમર્શિયલ અને ઘરેલું એલપીજી (LPG) ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર એ છે કે આ મોંઘવારી અહીં જ અટકી નથી, પરંતુ આગામી દિવસોમાં ઘરેલું રાંધણ ગેસના ભાવમાં હજુ પણ મોટો વધારો ઝીંકાઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી આ બાબતને કન્ફર્મ કરી દેવામાં આવી છે.

મોંઘવારી પર કેન્દ્ર સરકારનું સત્તાવાર નિવેદન
દેશમાં સતત વધી રહેલી ઇંધણની કિંમતો વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સરકારનો પક્ષ રાખતા જણાવ્યું છે કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં હજુ વધુ ઇજાફો જોવા મળી શકે છે. તેમણે ગેસ સિલિન્ડરના વધતા ભાવ અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “ગૅસ સિલિન્ડરની કિંમતો વધવાને કારણે સરકારને પણ અત્યંત અફસોસ અને દુઃખ છે. પરંતુ, આ નિર્ણયની ટીકા કરતા પહેલા લોકોએ દુનિયાની વર્તમાન ગંભીર સ્થિતિને સમજવી જરૂરી છે. આ સમયે સમગ્ર વિશ્વ અનેક મોટા સંકટોનો સામનો કરી રહ્યું છે. તેમણે વિગતો આપતા ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે માલસામાનની હેરફેર અને સપ્લાય (ટ્રાન્સશિપમેન્ટ) ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. એલપીજી ગેસ હવે દુનિયામાં બહુ ઓછી જગ્યાઓ પર ઉપલબ્ધ થઈ રહ્યો છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્લાય ઓછી થતા કિંમતો પર દબાણ વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે.
ગ્રાહકોની મુશ્કેલીઓ અંગે સરકાર પણ ચિંતિત
કેન્દ્રીય મંત્રીએ ભાવ વધારા પાછળના મુખ્ય કારણો સ્પષ્ટ કરતા જણાવ્યું કે, દરિયાઈ માર્ગે માલ લાવવાનો ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) ખૂબ વધી ગયો છે. ગેસની મૂળ કિંમત (બેઝ કોસ્ટ) પણ અગાઉ કરતા ઘણી વધારે છે. આ ઉપરાંત, વૈશ્વિક તણાવને કારણે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં હવે આશરે 40 થી 45 દિવસનો લાંબો સમય લાગી રહ્યો છે. સમય વધવાની સાથે જહાજો અને માલસામાનનો વીમો (ઇન્સ્યોરન્સ) પણ મોંઘો થયો છે. મંત્રીએ દાવો કર્યો કે, સામાન્ય લોકોની પરેશાનીઓને લઈને સરકાર પણ એટલી જ ચિંતિત છે, પરંતુ વર્તમાન વૈશ્વિક સંજોગોમાં ગેસની કિંમતો વધારવી એ સરકાર માટે એક મજબૂરી બની ગઈ છે.
7 જૂનના રોજ જ વધ્યા છે ભાવ: વેપારીઓમાં તણાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ તાજેતરમાં જ એટલે કે 7 જૂન, રવિવારના રોજ દેશમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવો વધારવામાં આવ્યા છે. પ્રતિ સિલિન્ડર 29 રૂપિયાના સીધા વધારા બાદ હવે બજારમાં 14.2 કિલોગ્રામનો ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડર દેશની રાજધાની દિલ્હીમાં 942 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. આ અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવો પણ સરકારે વધાર્યા હતા, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થોના વ્યવસાય સાથે જોડાયેલા નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ભારે આર્થિક તણાવ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.



