ટોકિયો ઓલિમ્પિક્સ વર્ષના અંત સુધી મુલતવી રખાય એવી શક્યતા

ટોકિયો : આગામી ઓલિમ્પિક રમતોત્સવના આયોજન માટે જાપાને નિયુક્ત કરેલા મહિલા પ્રધાને આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસને કારણે ફેલાયેલા ભયને કારણે ટોકિયો 2020 ગેમ્સ આ વર્ષના અંત સુધી મુલતવી રાખવામાં આવે એવી શક્યતા છે.

ઓલિમ્પિક્સ આવતા જુલાઈ મહિનામાં ટોકિયોમાં નિર્ધારિત છે.

જાપાનની સંસદમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં પ્રધાન સેઈકો હાશીમોતોએ જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે ટોકિયો શહેરે કરેલા કોન્ટ્રાક્ટ મુજબ ઉનાળુ ઓલિમ્પિક્સને 2020ના વર્ષમાં યોજવી પડે.

પ્રધાને વધુમાં કહ્યું કે, આનું અર્થઘટન ગેમ્સને મુલતવી રાખવામાં આવે એવું પણ કરી શકાય.

ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ 24 જુલાઈથી શરૂ થવા નિર્ધારિત છે અને તે 9 ઓગસ્ટ સુધી ચાલશે.

હાશીમોતોએ વધુમાં ઉમેર્યું કે, ગેમ્સ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ યોજાય એની અમે પૂરી તકેદારી લઈ રહ્યા છીએ.

IOCના પ્રમુખ થોમસ બેકે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે અમારી સંસ્થા ટોકિયો ઓલિમ્પિક્સને નિર્ધારિત સમયે યોજવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.