કોરોનાનું સંકટઃ નોઇડામાં શાળાઓ બંધ, ચાર દેશના નાગરિકોના વિઝા રદ્દ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે.

કોરોના વાયરસના કેસો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરીને ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, અને જાપાનના એ નાગરિકોને જાહેર કરવામાં આવેલા નિયમિત વિઝા અથવા ઈ વિઝા, સસ્પેન્ડ કર્યા છે કે જે લોકો અત્યારસુધી ભારતમાં પ્રવેશ કર્યો નથી. આ સાથે જ એડવાઈઝરીમાં જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકોના વિઝા પણ કેન્સલ કર્યા છે.

કોરોના વાયરસ દિલ્હી પહોંચ્યા બાદ હવે નોઇડા અને આગ્રામાં પણ સંકટ મંડરાયું છે. આને લઈને નોએડાની એક મોટી શાળાને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. તો અન્ય એક શાળાને 11 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે. નોએડા સીએમઓ અનુરાગ ભાર્ગવે કહ્યું કે, સ્કૂલ બસોને પણ સિનેટાઈઝ કરવામાં આવશે કે જેમાં શાળાના બાળકો આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીમાં કોરોના વાયરસથી પીડિત જણાયેલા વ્યક્તિનો બાળક નોએડાની શાળામાં અભ્યાસ કરે છે. આને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિજનોમાં ડર ફેલાયો છે. સ્વાસ્થ્ય વિભાગ પાસેથી જાણકારી મળ્યા બાદ તરત જ બે બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. બંન્ને અલગ-અલગ શાળામાં અભ્યાસ કરતા હતા. અત્યારસુધી કોઈપણ બાળકમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ નથી.

હકીકતમાં કોરોના વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગ્યો એમ ફેલાતો ગયો અને આજે હજારો લોકોને તે વળગી ચૂક્યો છે. હવે આવું જ કંઈક ભારતમાં થવાની આશંકા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસ હતો, તેના કારણે વાયરસ આગ્રા પહોંચ્યો હોવાનું પણ સંકટ છે. ત્યાં 6 જેટલા લોકોની તપાસ ચાલી રહી છે. સેમ્પલ ટેસ્ટમાં તેમને કોરોના પોઝિટવ આવ્યો છે. આ તમામ 6 દિલ્હી વાળા દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. અત્યારે તમામ લોકોને અલગ-અલગ રાખવામાં આવ્યા છે.

કોરોના વાયરસના લક્ષણ સામે આવવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રને જાણકારી આપો. સ્વાસ્થ્ય મંત્રાલયના 24 કલાક કાર્યરત કંટ્રોલ રુમનો ફોન નંબર 011-23978046 અથવા તો ઈ-મેઈલ એડ્રેસ ncov2019@gmail.com દ્વારા પણ પોતાની તંત્રનો સંપર્ક કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]