નવી દિલ્હીઃ હાલમાં જ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લઈને આવેલા દેશના ખેલાડીઓ-એથ્લીટ્સની આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે અહીં લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પ્રશંસા કરી હતી. મોદીએ એમના સંબોધનમાં સમગ્ર દેશને વિનંતી કરી હતી કે આપણા આ ખેલાડીઓની સિદ્ધિનો તાળીઓના ગડગડાટથી જયજયકાર કરીએ. પોતાના 88-મિનિટના સંબોધનમાં મોદીએ ઓલિમ્પિક્સનો ઉલ્લેખ કર્યો હતો અને આ રમતોત્સવમાં દેશ વતી અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓની પ્રશંસા કરી હતી. વડા પ્રધાને કહ્યું કે આ ખેલાડીઓએ આપણું દિલ જીત્યું છે એટલું જ નહીં, પરંતુ આવનારી પેઢીઓને પ્રોત્સાહિત કરવાનું પણ મોટું કામ કર્યું છે.
મોદીએ વધુમાં કહ્યું કે, આ વખતની ઓલિમ્પિક ગેમ્સ આપણા દેશ માટે એક મોટા ટર્નિંગ પોઈન્ટ સમાન છે. દેશની બેટીઓ બોર્ડની પરીક્ષાઓ હોય કે ઓલિમ્પિક ગેમ્સ હોય, બંનેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે છે તે ગૌરવની વાત છે. દેશમાં કન્યાઓ માટે પહેલી જ વાર સૈનિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. આવનારા દાયકામાં આપણે દેશમાં ખેલકૂદ ક્ષેત્રમાં ટેલેન્ટ, ટેક્નોલોજી અને વ્યવસાયીપણું લાવવાનું છે.