નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં ગોલ્ડ-મેડલ જીત્યો, ઈજામાંથી બચ્યો

કુઓર્ટેન (ફિનલેન્ડ): ભાલાફેંક રમતમાં ભારતને ઓલિમ્પિક ગેમ્સનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાએ ગઈ કાલે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં 86.69 મીટર દૂરના અંતર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ગયા વર્ષે ટોક્યોમાં રમાઈ ગયેલી ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજે આ પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. 24 વર્ષના નીરજે ગયા અઠવાડિયાના આરંભમાં ફિનલેન્ડમાં જ યોજાઈ ગયેલી પાવો નૂર્મી ગેમ્સમાં ભાલાફેંક રમતમાં રજત ચંદ્રક જીત્યો હતો.

કુઓર્ટેનમાં ગઈ કાલે વરસાદી વાતાવરણ હતું. નીરજે હરીફાઈમાં આરંભ તો સરસ કર્યો હતો, પણ બીજા થ્રો વખતે ફાઉલ કર્યો હતો. તે છતાં એણે પહેલા જ પ્રયાસમાં ભાલાને લક્ષ્ય પર હિટ કરાવ્યો હતો. પરંતુ, ત્રીજા થ્રો વખતે એ ઈજામાંથી માંડ બચી ગયો હતો. એ ટ્રેક પર લપસી ગયો હતો. પરિણામે એને બાકીના બે પ્રયાસને પડતા મૂકી દેવા પડ્યા હતા. એ લપસીને પડી જતાં સ્ટેડિયમમાં હાજર દર્શકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો, પરંતુ નીરજ તરત જ સ્વસ્થ થઈ ગયો હતો. આ હરીફાઈનો રજત ચંદ્રક ટ્રિનિડાડ એન્ડ ટોબેગોના કેશરોન વેલ્કોટે (86.64 મીટર) અને ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે (84.75 મીટર) કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પીટર્સ આ હરીફાઈનો વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે, પણ નીરજે એને ચાર દિવસમાં આ બીજી વાર હરાવ્યો છે.

ભારતનો ગોલ્ડન બોય નીરજ હવે 30 જૂને સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં યોજાનાર ડાયમંડ લીગ એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લેવાનો છે. નીરજે 2021ની 7 ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિક્સમાં 87.58 મીટરનો થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજનો રાષ્ટ્રીય રેકોર્ડ 88.07 મીટરનો છે, જે તેણે ગયા વર્ષના માર્ચમાં પટિયાલાની સ્પર્ધામાં નોંધાવ્યો હતો.

(તસવીર સૌજન્યઃ @Media_SAI)