‘અગ્નિવીરો’ને વર્ષમાં 30 રજા મળશેઃ હવાઈ દળ

નવી દિલ્હીઃ જેના વિશે હાલ દેશના અનેક ભાગોમાં હિંસક વિરોધ-દેખાવો થઈ રહ્યા છે તે કેન્દ્ર સરકાર ઘોષિત ‘અગ્નિપથ સૈન્ય ભરતી’ યોજના વિળે ભારતીય હવાઈ દળે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય સેનાની ત્રણેય પાંખ – ભૂમિ દળ, હવાઈ દળ અને નૌકા દળમાં ભરતી કરાનાર યુવકો ‘અગ્નિવીર’ તરીકે ઓળખાશે. હવાઈ દળે બહાર પાડેલા નોટિફિકેશનમાં આ અગ્નિવીરોએ એમની ચાર વર્ષની મુદત (કોન્ટ્રાક્ટ) દરમિયાન કઈ શરતોનું પાલન કરવાનું રહેશે અને એમને કઈ કઈ સુવિધા પ્રાપ્ત થશે એ વિશે જણાવવામાં આવ્યું છે.

‘અગ્નિપથ યોજના’ અંતર્ગત સેનામાં ભરતી થવા માટેની પાત્રતા શું છે, એ માટેનો ગણવેશ કેવો હશે, વેતન કેટલું મળશે, રજા કેટલી મળશે, પ્રશિક્ષણ કેવું હશે એ વિશેની માહિતી હવાઈ દળ તરફથી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે ભારતીય તરુણની વય 17.5 વર્ષથી લઈને 21 વર્ષની હશે તેઓ હવાઈ દળમાં ભરતી થવા માટે અરજી કરી શકે છે. એ માટે તેની મેડિકલ ચકાસણી કરવામાં આવશે. આ દળમાં અગ્નિવીર જવાનોને વર્ષ દરમિયાન 30 દિવસની સવેતન-રજા મળશે. જ્યારે મેડિકલ રજાઓ જવાનના આરોગ્યની તપાસના આધારે આપવામાં આવશે.