અમદાવાદઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને આપવામાં આવે તો અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ગેમ્સના ઉદઘાટન સમારોહના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ બનશે. બત્રાએ કહ્યું છે કે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ ભારતને મળે એ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે આઈઓએ ચર્ચા કરી રહ્યું છે. બે-ત્રણ વર્ષમાં એ વિશેનો નિર્ણય લેવાશે. 2032ની ઓલિમ્પિક્સનું યજમાનપદ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને આપવામાં આવ્યું છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશને મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે. આ સ્ટેડિયમની ક્ષમતા 1,32,000 દર્શકોને સમાવવાની છે. આ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ, વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને ટ્વેન્ટી-20 ક્રિકેટ મેચોનું આયોજન કરાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ’ની અંદર આવેલું છે.