નવી દિલ્હીઃ યુવાન વયના કુસ્તીબાજની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ઓલિમ્પિક મેડલવિજેતા પહેલવાન સુશીલકુમારે પોતાને જેલમાં વિશેષ ભોજન પૂરું પાડવામાં આવે એવી કરેલી માગણીને અહીંના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સત્વિરસિંહ લામ્બાએ નકારી કાઢી છે. પોતે એક પહેલવાન છે અને એને જેલમાં વિશેષ ભોજન, પૂરક આહાર તથા કસરત કરવાની પૂરતી જગ્યા જોઈએ એવી સુશીલે માગણી કરી હતી. પોતાની તંદુરસ્તી અને પરફોર્મન્સ જાળવવા માટે એ બધું જરૂરી છે, એમ પણ તેણે કહ્યું છે. જો એને તેની આ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં નહીં આવે તો એની કારકિર્દી પર માઠી અસર પડશે, કારણ કે એની કારકિર્દી એની શારીરિક તાકાત અને ખડતલ શરીર છે.
સુશીલકુમારની અરજી પર મેજિસ્ટ્રેટે કહ્યું કે, વિશેષ ભોજન અને પૂરક આહાર એ બધું આરોપીની ઈચ્છા માત્ર હોય છે, જ્યારે વાસ્તવમાં એને એવી કોઈ જરૂર હોતી નથી. 2018માં ઘડાયેલા કાયદાઓ અનુસાર, જેલમાં આરોપીઓને તેમની મૂળભૂત જરૂરિયાત મુજબનું ભોજન આપીને તેમની બરાબર કાળજી લેવામાં આવે જ છે. કાયદાની નજરમાં તમામ આરોપીઓ સમાન છે, પછી એ ગમે તે જાતિના હોય, ધર્મના હોય, વર્ગ વગેરેના હોય.