ટીમ મેનેજમેન્ટને હાર્દિક પંડ્યાની બદલીમાં બીજો કોઈ ખેલાડી જોઈતો નથી

બેંગલુરુઃ વર્લ્ડ કપ-2023ની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ અત્રે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પંડ્યાને ડાબા પગના ઘૂંટણ અને પગની એડીમાં ઈજા થઈ છે. અગાઉ કરતાં હવે એની ઈજા ગંભીર પ્રકારની જણાય છે. એનો સ્નાયુ (લિગામેન્ટ) ફાટી ગયો છે. ડોક્ટરોએ આને ગ્રેડ-1 ‘લિગામેન્ટ ટોર્ન’ તરીકે ઓળખાવ્યું છે. આ ઈજામાંથી સાજા થતાં પંડ્યાને લગભગ બે અઠવાડિયા લાગશે.

(ફાઈલ તસવીર)

દરમિયાન, ભારતનું ટીમ મેનેજમેન્ટ પંડ્યાની જગ્યાએ બીજા કોઈ ખેલાડીને વર્લ્ડ કપ-2023 ટીમમાં સામેલ કરવા માગતું નથી. તે હાર્દિકના સાજા થવાની રાહ જોવા તૈયાર છે. ગઈ કાલે એવા અહેવાલો હતા કે પંડ્યાની જગ્યાએ ટીમમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવશે, પરંતુ એ સમાચારને સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી.

પંડ્યાને આ ઈજા પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે થઈ હતી. તે બોલિંગમાં હતો અને બેટરે ફટકારેલા બોલને જમણા પગથી અટકાવવા જતાં એ લપસી પડ્યો હતો અને શરીરનો બધો ભાર ડાબા ઘૂંટણ પર આવી ગયો હતો. હાર્દિકે હજી તો બોલિંગની શરૂઆત જ કરી હતી અને ત્રણ જ બોલ ફેંક્યા હતા. ઈજા થતાં એને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું અને તે પછી વર્લ્ડ કપની એકેય મેચમાં રમ્યો નથી.