ચેન્નાઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં ભારત તેની પહેલી મેચ આવતા રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે. પરંતુ આ મેચ પૂર્વે ભારતને એક ચિંતાનો સામનો કરવો પડ્યો છે. તેનો સ્ટાર ઓપનર શુભમન ગિલ બીમાર પડ્યો છે. એને ડેન્ગ્યૂ થયો હોવાની શંકા છે. એને કારણે એ કદાચ રવિવારની મેચ ચૂકી જશે. એની જગ્યાએ ઈશાન કિશનનો ઈલેવનમાં સમાવેશ થવાની ધારણા છે.
ગિલ છેલ્લા કેટલાક વખતથી વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં ઝમકદાર બેટિંગ કરી રહ્યો છે, રનના ઢગલા ખડકી રહ્યો છે. એ હાલ ભારે તાવમાં પટકાયો છે અને આજે એની મેડિકલ ચકાસણી કરવામાં આવશે. ભારતીય ટીમે ચેન્નાઈમાં આગમન કર્યું છે ત્યારથી ગિલને તાવની સમસ્યા સતાવતી રહી છે. એને આ તાવ ડેન્ગ્યૂનો તો નથીને તેની આજે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ નિર્ણય લેવાશે કે એને રવિવારની મેચમાં રમાડવો કે નહીં. જો એને ડેન્ગ્યૂ થયો હશે તો એ સ્પર્ધાની કદાચ બે મેચ ચૂકી જશે, કારણ કે ડેન્ગ્યૂના દર્દીઓને સાજા થતાં આશરે 7-10 દિવસો લાગતા હોય છે.