પાંચમી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને પછાડી ભારતે સીરિઝ 3-1થી જીતી લીધી; કોહલી ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’

0
1016

તિરુવનંતપુરમ – ભારતે આજે અહીં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9-વિકેટથી પછડાટ આપીને સીરિઝ 3-1થી જીતી લીધી હતી.

ભારતે પહેલી, ચોથી અને પાંચમી મેચ જીતી હતી. બીજી મેચ ટાઈમાં પરિણમી હતી. ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું.

આજની મેચમાં ભારતે બેટિંગ અને બોલિંગ, બંને વિભાગમાં સારી રમત રમી હતી. પહેલાં ભારતના બોલરોએ પ્રવાસી ટીમને માત્ર 31.5 ઓવરમાં જ 104 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. અને ત્યારબાદ ભારતના બેટ્સમેનોએ 105 રનનો ટાર્ગેટ માત્ર 15 ઓવરમાં ચેઝ કરી બતાવ્યો હતો.

ભારતે શિખર ધવન (6)ની એકમાત્ર વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 63 રન અને કેપ્ટન વિરાટ કોહલી 33 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

રોહિત શર્માએ તેની કારકિર્દીની 37મી અડધી સદી ફટકારી હતી. એણે પોતાના 56 બોલના દાવમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

કોહલીએ 29 બોલનો સામનો કર્યો હતો અને છ બાઉન્ડરી મારી હતી.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, ભારતના બોલરોની ગૂડ લાઈનને કારણે તેમજ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોના કંગાળ જજમેન્ટને કારણે પ્રવાસી ટીમનો ધબડકો થયો હતો. હોલ્ડરે 25 અને ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુલ્સે 24 રન કર્યા હતા.

ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા ચાર વિકેટ લઈને ભારતનો બેસ્ટ બોલર રહ્યો હતો અને એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

સીરિઝમાં સતત ત્રણ સદી ફટકારનાર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતે બે મેચની ટેસ્ટ સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0 પરાજય આપ્યો હતો. હવે બંને ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. પહેલી મેચ 4 નવેમ્બરે કોલકાતામાં, બીજી 6 નવેમ્બરે લખનઉમાં અને ત્રીજી 11 નવેમ્બરે ચેન્નાઈમાં રમાશે.