ટીમ ઈન્ડિયા પહોંચી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં

ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડે આજે અહીં પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને છેલ્લા બોલમાં બે-વિકેટથી પરાજય આપતાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે સતત બીજી વાર ક્વાલિફાઈ થઈ ગઈ છે. હવે WTCની ફાઈનલ મેચ 7 જૂને લંડનના ઓવલ મેદાન પર રમાશે. ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.

2021ની પ્રારંભિક WTC ફાઈનલ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.

WTCની ફાઈનલ માટે ક્વાલિફાઈ થવાની શ્રીલંકાને પણ તક હતી, પરંતુ એણે ન્યૂઝીલેન્ડને વર્તમાન શ્રેણીમાં 2-0થી હરાવવું ફરજિયાત હતું. આજે પહેલી જ મેચમાં તે હારી જતાં ભારત આપોઆપ ક્વાલિફાઈ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને હરાવીને ફાઈનલમાં પહોંચી ચૂકી હતી. ભારતનું સ્થાન શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના પરિણામ પર આધારિત હતું અને શ્રીલંકા હારી જાય એવી ભારતીયો પ્રાર્થના કરતા હતા.

ઓસ્ટ્રેલિયા 68.52 પર્સન્ટેજ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે.