મેલબર્નઃ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં સૌની મીટ મંડાયેલી છે 23 ઓક્ટોબરે સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-2માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર. પરંતુ આ મેચમાં વરસાદ અવરોધ ઊભો કરે એવી સંભાવના છે. જોકે એવા અહેવાલો પણ છે કે રવિવારે મેલબર્નમાં હવામાન સુધરેલું રહેશે.
ચિંતા એ વાતની છે કે ધારો કે વરસાદ પડે અને મેચ બગડી જાય તો ક્રિકેટપ્રેમીઓને નિરાશ થવાનો વારો આવશે, કારણ કે આ મેચ માટે રિઝર્વ દિવસ રખાયો નથી. આઈસીસી સંસ્થાએ આ સ્પર્ધા માટે માત્ર બે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે જ રિઝર્વ દિવસની વ્યવસ્થા રાખી છે. ધારો કે 23મીએ વરસાદ ભારત-પાકિસ્તાન મેચને ધોઈ નાખશે તો બંને ટીમને એક-એક પોઈન્ટ ફાળવી દેવામાં આવશે.
સુપર-12 રાઉન્ડમાં રમનાર આ 12 ટીમ છેઃ
ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, આયરલેન્ડ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે.
ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને આયરલેન્ડ છે.
ગ્રુપ-2માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે છે.
બે વખત ચેમ્પિયન બનેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ છે. આજે આયરલેન્ડે તેને 9-વિકેટથી પરાજય આપ્યો હતો.