T20  વર્લ્ડ કપઃ ન્યુ ઝીલેન્ડે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 89 રનથી હરાવ્યું

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2022નો જંગ શરૂ થઈ ચૂક્યો છે. શનિવારથી સુપર-12નો મુકાબલો શરૂ થયો છે.  પહેલી મેચ યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કાંગારુઓની ટીમની 89 રનથી સજ્જડ હાર થઈ છે. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ડેવોન કોન્વેએ 92 રનની મદદથી ન્યુ ઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 17.1 ઓવર્સ 111 રન બનાવી શકી હતી. 2011 બાદ ન્યુઝીલેન્ડની ઓસ્ટ્રેલિયામાં આ પહેલી ટી-20 જીત છે. એ સાથે 2021ના ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં મળેલા પરાજયનો ન્યુઝીલેન્ડે બદલો લઈ લીધો છે.  

ન્યુ ઝીલેન્ડે આ મેચમાં તોફાની બેટિંગ કરીને 200 રનનો સ્કોર બનાવ્યો હતો. ન્યુ ઝીલેન્ડ દ્વારા ડેવિડ કોન્વેએ 92 રન નોટઆઉટની ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે સાત ચોક્કા અને બે છક્કા માર્યા હતા. છેલ્લી ઓવરમાં જિમી નિશમે 13 બોલમાં 26 રન બનાવ્યા હતા, જેમાં બે છક્કા કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમે 201 રનના લક્ષ્યનો પીછો કરતાં પ્રારંભમાં વિકેટો ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 11 ઓવર્સમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ નોંધપાત્ર યોગદાન આપીને 100 રનને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. મેક્સવેલે 28 રન અને કમિન્સે 21 રન બનાવ્યા હતા. ન્યુ ઝીલેન્ડની ટીમના સાઉધી અને મિચેલ સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.