રાજસ્થાની પાપડ વડી, પાન ઠંડાઈ

દિવાળી સ્પેશ્યલ રેસિપી

Reena Mohnot

રાજસ્થાની પાપડ વડી

સામગ્રીઃ પાપડ 2, વડી ½ કપ, બારીક સુધારેલો કાંદો 1, બારીક સુધારેલું ટામેટું 1, 2 ટામેટાંની પ્યુરી, 1 લીલું મરચું બારીક સુધારેલું, આદુ-લસણ પેસ્ટ 1 ટી.સ્પૂન, ધાણાજીરુ 1 ટી.સ્પૂન, લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, દહીં 1 કપ, સ્વાદ અનુસાર મીઠું, કસૂરી મેથી 1 ટી.સ્પૂન, કોથમીર ધોઈને બારીક સમારેલી 1 ટે.સ્પૂન, ઘી 4 ટે.સ્પૂન

વઘાર માટેઃ જીરૂ ½ ટી.સ્પૂન, ચપટી હીંગ, તેજપત્તા 1, આખાં લાલ મરચાં 2,

રીતઃ વડીનો વેલણ વડે બારીક ભૂકો કરી લો. પાપડના નાના ટુકડા કરી લો. કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પાપડના ટુકડા તળીને કાઢી લો. આ જ ઘીમાં જીરૂ, હીંગ, તેજપત્તા તેમજ લાલ મરચાં વઘારી લો.

હવે તેમાં કાંદા સાંતડીને આદુ-લસણની પેસ્ટ તેમજ સુધારેલું લીલું મરચું નાખી દો. ટામેટાં તેમાં સાંતડીને ટામેટાં પ્યુરી નાખીને થોડીવાર ધીમા તાપે ચઢવા દો. તેમાંનું ઘી છૂટું પડે એટલે દહીંમાં બધા મસાલા મેળવીને કઢાઈમાં નાખી દો. ધીમા તાપે થવા દો. જ્યારે તેમાંનું ઘી ઉપર આવવા લાગે ત્યારે 1 કપ પાણી મેળવીને શાક ઉકળવા લાગે ત્યારે તેમાં તળેલા પાપડના ટુકડા તેમજ વડી નાખીને થોડીવાર બાદ કસૂરી મેથી નાખીને ગેસ બંધ કરીને ઉતારી લો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને સર્વ કરો.


 

પાન ઠંડાઈ

સામગ્રીઃ કાજુ 4 ટે.સ્પૂન, પિસ્તા 4 ટે.સ્પૂન, બદામ 4 ટે.સ્પૂન, ખસખસ 1 ટે.સ્પૂન, વરિયાળી 2 ટે.સ્પૂન, ગુલકંદ 2 ટે.સ્પૂન, કાળાં મરી પાવડર 1 સ્પૂન, નાગરવેલના પાન 8, મિશ્રી 1 કપ, દૂધ 1 લિટર, ગુલાબની પાંખડી 1 ટે.સ્પૂન, બદામની કાતરી 1 ટી.સ્પૂન, પિસ્તાની કાતરી 1 ટી.સ્પૂન, ટુટી-ફ્રુટી 1 ટી.સ્પૂન

રીતઃ બદામ, પિસ્તા, ખસખસ, કાજુ અને વરિયાળીને અલગ અલગ વાસણમાં 4-5 કલાક માટે પાણીમાં પલાળી રાખો. 4-5 કલાક બાદ બદામની છાલ કાઢીને બદામ, પિસ્તા, ખસખસ, કાજુ તેમજ પાનના પત્તા અને ગુલકંદને પણ મિક્સીમાં પીસી લેવા. વરિયાળીને અલગથી વાટીને તેમાં 1 કપ દૂધ મેળવીને આ મિશ્રણ ગળણીથી ગાળી લો.

ગુલકંદવાળા મિશ્રણમાં પીસેલી વરિયાળી મેળવી દો. હવે આ મિશ્રણમાં બાકી રહેલું દૂધ, ગુલાબની પાંખડીઓ, મિશ્રી તેમજ કાળાં મરી પાવડર મેળવીને ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દો. ઠંડાઈ પિરસતી વખતે તેમાં બદામ-પિસ્તાની કાતરી તેમજ ટુટી-ફ્રુટી મેળવી દો.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)