U-19 વર્લ્ડ કપઃ બાંગ્લાદેશી ખેલાડીઓના બેહુદા વર્તનની ICCએ ગંભીર નોંધ લીધી

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યું છે કે રવિવારે અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચ બાદ વિજેતા બનેલા બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓ સાથે કરેલા બેહુદા આક્રમક વર્તનની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ગંભીર નોંધ લીધી છે. તેના અધિકારીઓ મેચની અંતિમ મિનિટોના વિડિયો ફૂટેજની સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ફાઈનલ મેચમાં ભારત ઉપર 3-વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ બાંગ્લાદેશના ખેલાડીઓ એકદમ આનંદમાં આવી ગયા હતા અને બેફામ બની ગયા હતા. ભારતીય ખેલાડીઓ સાથે થયેલા ઝઘડા બદલ બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ માફી માગી છે જ્યારે ભારતીય ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓનો પ્રતિસાદ ‘ગંદો’ હતો.

અનિલ પટેલે ઈએસપીએનક્રિકઈન્ફોને જણાવ્યું હતું કે મેદાન પર એ મિનિટોમાં ખરેખર શું બન્યું હતું એની અમને કશી જાણ નથી. જોકે દરેક જણને આઘાત લાગ્યો છે. ICC અધિકારીઓ એ અંતિમ મિનિટોનું ફૂટેજ જોવાના છે અને બાદમાં અમને જણાવશે.

મેચ ચાલુ હતી ત્યારે પણ બાંગ્લાદેશના ખેલાડીઓ ફિલ્ડિંગ કરતી વખતે વધારે પડતા આક્રમક રહ્યા હતા. એનો ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામ દરેક બોલ ફેંક્યા બાદ ભારતીય બેટ્સમેનોને (સ્લેજિંગ કરતો હતો) અપશબ્દો બોલતો હતો.

મેચ જેવી પૂરી થઈ કે તરત જ બાંગ્લાદેશના ખેલાડીઓ મેદાનમાં દોડી ગયા હતા અને ભારતીય ખેલાડીઓ સામે એમની બોડી લેંગ્વેજ (વર્તન) ખરાબ હતી. બંને ટીમના ખેલાડીઓ મારામારી પર આવી ગયા હતા, પણ કોચિંગ સ્ટાફના સભ્યો તથા મેદાન પરના અધિકારીઓએ તંગદિલી દૂર કરી હતી.

અનિલ પટેલનો દાવો છે કે મેચ રેફરી ગ્રેમ લેબ્રોય પોતાને મળ્યા હતા અને મેદાન પરની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એમણે સ્પષ્ટતા કરી હતી કે આઈસીસી સંસ્થા એ ઘટનાને ઘણી જ ગંભીરતાથી લેવાની છે. તેઓ એ ઘટનાનું ફૂટેજ જોશે અને બાદમાં અમને જણાવશે.