ICC T20 વર્લ્ડકપઃ 24-ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મુકાબલો

દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત T20 વર્લ્ડ કપ આ વર્ષની 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને ઓમાનમાં શરૂ થવાની છે. કટ્ટર હરીફો – ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. બંને વચ્ચેનો મુકાબલો 24 ઓક્ટોબરે દુબઈમાં થશે. સ્પર્ધાનો પહેલો રાઉન્ડ 17 ઓક્ટોબરે ગ્રુપ-Bમાં યજમાન ઓમાન અને પપુઆ ન્યૂગિની તથા એ જ ગ્રુપના બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ સાથે શરૂ થશે.

ગ્રુપ-Aમાં આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, શ્રીલંકા અને નામિબિયા છે. આ ચાર ટીમ વચ્ચે 18 ઓક્ટોબરે અબુધાબીમાં મેચ રમાશે. રાઉન્ડ-1ની મેચો 22 ઓક્ટોબર સુધી ચાલશે. બંને ગ્રુપની ટોચની બબ્બે ટીમ સુપર-12 રાઉન્ડમાં પ્રવેશ કરશે. તેની મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે. અબુધાબીમાં, ગ્રુપ-1ની ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. જ્યારે એ જ દિવસે દુબઈમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાશે.

કટ્ટર હરીફો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મુકાબલો 30 ઓક્ટોબરે દુબઈમાં થશે. ગ્રુપ મેચો 6 નવેમ્બરે પૂરી થશે. ગ્રુપ-2ની મેચો 24 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. 26 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો થશે ન્યૂઝીલેન્ડ સાથે – શારજાહમાં. પહેલા રાઉન્ડમાં ગ્રુપ-Bની વિજેતા સામે અફઘાનિસ્તાનનો મુકાબલો થશે 25 ઓક્ટોબરે. ગ્રુપ મેચો 8 નવેમ્બરે પૂરી થશે. એ દિવસે ભારતની ટીમ રમશે ગ્રુપ-Aમાંથી રાઉન્ડ-1ની બીજા નંબરની ક્વાલિફાયર ટીમ સાથે.

પહેલી સેમી ફાઈનલ 10 નવેમ્બરે અબુધાબીમાં અને બીજી સેમી ફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે. બંને સેમી ફાઈનલો માટે અનામત દિવસ રાખવામાં આવ્યો છે. સ્પર્ધાની ફાઈનલ મેચ 14 નવેમ્બરના રવિવારે દુબઈમાં રમાશે. 15 નવેમ્બરનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.