‘જરૂર પડશે તો એવું વર્તન ફરી કરીશ’: ઈગોર સ્ટીમેક (ભારતીય ફૂટબોલ ટીમના વડા કોચ)

બેંગલુરુઃ અહીંના કાંતીરવા સ્ટેડિયમ ખાતે SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમના વડા કોચ ઈગોર સ્ટીમેકે પાકિસ્તાનના ખેલાડીના હાથમાંથી બોલ ઝૂંટવી લઈ એને બોલનો થ્રો કરતા અટકાવતાં મેચ રેફરીએ સ્ટીમેકને રેડ કાર્ડ બતાવ્યું હતું. તે છતાં ક્રોએશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય ખેલાડી સ્ટીમેકે કહ્યું છે કે, ‘ભવિષ્યમાં મેદાન પર મારા ખેલાડીઓનું રક્ષણ કરવા માટે જરૂર લાગશે તો આવું વર્તન ફરી કરતાં હું અચકાઈશ નહીં. ફૂટબોલની રમત તો મારે મન એક જુસ્સો છે.’

ગઈ કાલે ગ્રુપ-Aની મેચમાં, ભારતે સુનીલ છેત્રીની ગોલ હેટ-ટ્રિકની મદદથી પાકિસ્તાન ટીમને 4-0 ગોલથી પરાજય આપ્યો હતો. છેત્રીએ બે ગોલ પહેલા હાફમાં કર્યા હતા અને ત્રીજો ગોલ બીજા હાફમાં કર્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં આ ચોથી વાર હેટ-ટ્રિક કરી છે. મેચમાં 45મી મિનિટે હંગામો થયો હતો. કોચ સ્ટીમેકે પાકિસ્તાનના એક ખેલાડીને ટચલાઈન પર થ્રો-ઈન કરતા અટકાવ્યો હતો. એને કારણે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ચકમક ઝરી હતી. સદ્દભાગ્યે, એ ઝઘડાનું મોટું વરવું સ્વરૂપ થતા રહી ગયું હતું. પરંતુ એ વર્તનને કારણે રેફરીએ સ્ટીમેકને રેડ કાર્ડ બતાવીને એમને આગામી મેચમાંથી સસ્પેન્ડ કર્યા હતા. રેફરીએ પાકિસ્તાન ટીમના મેનેજરને યેલો કાર્ડ બતાવ્યું હતું.