અપહરણ થયેલું ગુજરાતી દંપતી ઇરાનમાંથી હેમખેમ પરત ફર્યું

 અમદાવાદઃ લોકોને વિદેશમાં જઈને ટૂંક સમયમાં ઘણીબધી કમાણી કરી લેવી છે અને એ માટે તેઓ ગેરકાયદે જવા અને જાનનું જોખમ લેવા પણ તૈયાર થઈ જાય છે, પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવતને સાર્થક કરે એવો કિસ્સો બન્યો છે. અમદાવાદથી અમેરિકા જવા લાલચમાં દંપતી ફસાઈ ગયું હતું. તેમણે એ માટે લેભાગુ એજન્ટોનો સંપર્ક સાધ્યો હતો, પણ તેઓ એવી લાલચની ચુંગાલમાં ફસાયા કે તેમને છોડાવવા રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નિશા અને પંકજે અમેરિકા જવા માટે રૂ. એક કરોડથી વધુની રકમની એજન્ટો સાથે સોદો થયો હતો, પરંતુ તેમને એજન્ટો દ્વારા અમેરિકા જવાની જગ્યાએ હૈદરાબાદ અને ત્યાંથી ઇરાન પહોંચ્યા હતા, પરંતુ ઇરાનમાં તેમનું અપહરણ થયું હતું અને કેટલાક લોકોએ તેમની પીઠ પર બ્લેડ મારી હતી જેથી તે યુવક લોહીલુહાણ થઇ ગયો હતો અને તેના બદલામાં રૂપિયાની માગ થઈ હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ હતી. જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ભારતની રો અને એમ્બેસીના કેટલાક અધિકારીઓની મારફતે આ દંપતીને અપહરકર્તાઓ પાસેથી છોડાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી હતી અને તેમને હેમખેમ પરત લાવી શકાયા હતા. .

સરકારની સતર્કતાના કારણે આખરે પંકજ અને નિશાનું લોકેશન તહેરાનમાં મળી આવ્યું હતું, જ્યાંથી પોલીસની મદદથી પંકજ અને નિશાને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા હતા.જેના પગલે પીડિતના ભાઈ અને પરિવારજનોએ રાજ્ય સરકારનો અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો હતો.

શો હતો મામલો?

અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નિશા પટેલે એજન્ટ મારફતે વાયા ઇરાન થઈને અમેરિકા જવા નીકળ્યાં હતાં. અમેરિકા જવા માટે રૂ. 1.15 કરોડમાં સોદો થયો હતો.જોકે તેમણે કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા, ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઇરાન થઈને અમેરિકા લઈ જશે તેવો સોદો થયો હતો. જોકે અમેરિકા જવાન બદલે ઇરાનમાંથી તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું અને યુવકના શરીર પર બ્લેડના ઘા મારીને યાતનાઓ આપવામાં આવી હતી.