અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશને નક્કી કર્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી T20I શ્રેણીની બાકીની ત્રણેય મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. ગુજરાત રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં વધી જતાં જીસીએને દર્શકોવિહોણા સ્ટેડિયમમાં બાકીની મેચો રમાડવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. જે દર્શકોએ આવતી 16, 18 અને 20 માર્ચે નિર્ધારિત T20I મેચો માટેની ટિકિટ ખરીદી હશે મને જીસીએ તરફથી રીફંડ આપી દેવામાં આવશે.
જીસીએના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે દર્શકોને રીફંડના પૈસા પાછા આપવા માટે એસોસિએશન નીતિ તૈયાર કરશે. જે લોકોએ કોમ્પ્લીમેન્ટરી ટિકિટો મેળવી છે એમને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સ્ટેડિયમમાં ન આવે. (પાંચ મેચોની શ્રેણીમાં હાલ બંને ટીમ એક-એક મેચ જીતી ચૂકી છે)
(તસવીર સૌજન્યઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ટ્વિટર)