અમદાવાદની પિંક-બોલ ટેસ્ટમેચ પિચને ‘સરેરાશ’ રેટિંગ અપાયું

અમદાવાદઃ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ માટેની પિચને ICC દ્વારા ‘સરેરાશ’ રેટિંગ આપવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચેની આ મેચ બે દિવસની અંદર પૂરી થયા પછી પિચ અંગે ઘણો વિવાદ થયો હતો. ICCએ એના નિયમો અને ધારાધોરણોના પેજ પર હાલની તમામ ગેમ્સના રેટિંગ્સને અપડેટ કર્યું હતું અને મોટેરાની પિચને ત્રીજી ટેસ્ટ માટે પિચને ‘સરેરાશ’ અને અંતિમ ટેસ્ટ માટે ‘ગુડ’ માનવામાં આવી હતી. આ ઉપરાંત T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે એને ‘વેરી ગુડ’ પિચનું રેટિંગ આપવામાં આવ્યું હતું. સંજોગોવશાત્ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે SCG ટેસ્ટની પિચને પણ ‘સરેરાશ’ દરજ્જો આપવામાં આવ્યો હતો.

ભારતે ઇંગ્લેન્ડ સામે પિંક બોલથી રમતાં 10 વિકેટથી જીતી લીધી હતી. આ પિચ પર ભારતે 145 રન અને  વિના વિકેટે 49 રન બનાવીને જીત હાંસલ કરી હતી. જ્યારે ઇંગ્લેન્ડે બંને ઇંનિંગ્સમાં 112 અને 81 રન બનાવ્યા હતા. ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી 3-1થી જીતી લઈને ટેસ્ટ મેચની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ICC  દરેક ટેસ્ટ મેચ પછી પિચ અને આઉટફીલ્ડનું રેટિંગ પ્રાપ્ત કરે છે. મેચ પૂરી થયા પછી મેચ રેફરી દ્વારા પિચ અને આઉટફીલ્ડને રેટિંગ આપવામાં આવે છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમને ખુલ્લું મૂક્યું હતું. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેલબોર્નને પાછળ રાખીને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનીને નવો ઇતિહાસ રચશે. મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1.32 લાખ દર્શકોની છે.