ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં અવસાન થયું છે.

ડીન જોન્સ 59 વર્ષના હતા અને હાલ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી મોસમ માટે સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટરી પેનલના સભ્ય હતા.

સ્ટાર ઈન્ડિયા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે ડીન મેરવીન જોન્સનું નિધન થયું છે. અચાનક હૃદયરોગનો હુમલો આવતાં એમનું નિધન થયું છે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, અમે એમના પરિવારજનો પ્રતિ ઘેરું દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ સંકટના સમયમાં અમે એમની પડખે છીએ. અમે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનના સંપર્કમાં છીએ.

જમણેરી બેટ્સમેન ડીન જોન્સ એમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઓસ્ટ્રેલિયા વતી 52 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં એમણે 11 સદી અને 14 અડધી સદી સાથે 46.55ની સરેરાશ સાથે 3,631 રન કર્યા હતા. તેઓ 164 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યા હતા જેમાં 44.61ની સરેરાશ સાથે 6,068 રન કર્યા હતા. એમાં તેમણે 7 સદી અને 46 અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલી, સચીન તેંડુલકર અને વિરેન્દર સેહવાગે ડીન જોન્સના નિધનના સમાચાર જાણ્યા બાદ ટ્વીટ કરીને દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]