ડ્રગ્સ કેસમાં પૂછપરછઃ દીપિકા આજે NCB ઓફિસમાં હાજર થશે

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા ડ્રગ્સના સેવન-ધંધાના મામલે કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ બજાવેલા સમન્સને પગલે ટોચની બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ પૂછપરછ માટે આવતીકાલે એજન્સીના અત્રેના મુખ્યાલયમાં હાજર થશે.

સૂત્રના જણાવ્યા મુજબ, દીપિકાની લીગલ ટીમે તપાસ એજન્સીને આની જાણ કરી છે.

દીપિકા તેની એક આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ માટે ગોવા ગઈ હતી. ત્યાંથી તે આજે મુંબઈ પાછી ફરી છે.

દીપિકાની સાથે એની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ NCB અધિકારીઓ પૂછપરછ કરશે.

NCB એજન્સીએ દીપિકા ઉપરાંત સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ જેવી અન્ય અભિનેત્રીઓને પણ પૂછપરછ માટે હાજર થવાનું સમન્સ મોકલ્યું છે.

સારા ફિલ્મ કલાકારો સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની પુત્રી છે જ્યારે શ્રદ્ધા ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરની પુત્રી છે.

રકુલપ્રીતને આજે જ પૂછપરછ માટે હાજર થવાનું જણાવાયું હતું, પરંતુ તે આવતીકાલે અધિકારીઓ સમક્ષ હાજર થશે.

સારા અને શ્રદ્ધાને શનિવારે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

NCB અધિકારીઓ સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની પૂછપરછ કરતા હતા એ દરમિયાન એમણે મેળવેલી વોટ્સએપ પરની ચેટ્સમાં દીપિકા, સારા, શ્રદ્ધા, રકુલનું નામ ચમક્યાં બાદ અધિકારીઓએ આ તમામને હાજર થવાનું ફરમાન કર્યું છે.

અધિકારીઓ આ અભિનેત્રીઓને પૂછશે કે તેઓ નશીલી દવાઓ કોની પાસેથી અને કેવી રીતે મેળવી હતી. તેમજ આ દવાઓ એમણે અંગત ઉપયોગ માટે લીધી હતી કે કોઈ અન્યને માટે.

અધિકારીઓ આ કેસમાં ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના જોડાણ વિશે તપાસ કરી રહ્યા હતા ત્યારે એમને દીપિકા અને કરિશ્મા વચ્ચેની ચેટ હાથ લાગી હતી. કરિશ્માએ 2017 સુધી ક્વાન ખાતે દીપિકાનો એકાઉન્ટ સંભાળ્યો હતો.

એનસીબી અધિકારીઓનો દાવો છે કે રીયા ચક્રવર્તી તથા અન્ય હસ્તીઓની વોટ્સએપ ચેટ્સના અભ્યાસ પરથી ષડયંત્ર દ્વારા ડ્રગ્સ રાખવા, કોઈને એનું સેવન કરવા મજબૂર કરવા, ડ્રગ્સના વેચાણ, ખરીદી, ટ્રાન્સપોર્ટેશન જેવી બાબતો પર પ્રકાશ પડ્યો હતો. આ બધું NDPS કાયદા અંતર્ગત આવે છે. NCB અધિકારીઓએ આ કેસમાં અત્યાર સુધીમાં 18 જણની ધરપકડ કરી છે જેમાં રીયા ચક્રવર્તી અને એનાં ભાઈ શોવિક ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

NCB અધિકારીઓએ આજે સવારે જાણીતી ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી અને સુશાંતની ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ હજી ચાલુ છે.

34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર એણે આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું, પરંતુ સુશાંતના મૃત્યુનું ખરું કારણ જાણવાની એના પરિવારજનોએ માગણી કરી હતી અને એ માટે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. રીયા ચક્રવર્તીએ પણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી હતી. એમની વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આ કેસમાં ડ્રગ્સનો પણ મામલો બહાર આવતાં સીબીઆઈની સાથે આ તપાસમાં NCB એજન્સી પણ જોડાઈ છે.