કોરોનાને કારણે દુનિયાભરમાં 50 કરોડ લોકોએ નોકરી ગુમાવી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના કેસો ભારત સહિત દુનિયાભરમાં હજી પણ વધી રહ્યા છે. આ રોગચાળાને કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9 લાખથી વધારે લોકોનાં મરણ થયા છે. એવામાં એક અહેવાલ અનુસાર, દુનિયાભરમાં આ બીમારીને કારણે 50 કરોડ લોકો નોકરી-રોજગાર વિહોણા થઈ ગયા છે.

ભારતમાં, બે કરોડ લોકોની નોકરી ગુમાઈ છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન સંસ્થાના જણાવ્યા મુજબ, આ આંકડો (50 કરોડ) વધારે પણ થઈ શકે છે.

ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ ઈન્ડસ્ટ્રીમાં અને 1.74 લાખ પરિવારોનો સર્વે કરનાર CMIE સંસ્થાના અહેવાલમાં આ જાણકારી મળી છે.

કહેવાય છે કે કોરોના વાઈરસથી નુકસાન વિશે અપેક્ષા હતી એના કરતાં વધારે ભયંકર પરિણામો આવ્યા છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અનુમાન અનુસાર, સમગ્ર દુનિયામાં લગભગ 3.5 ટ્રિલિયન ડોલર લેબર ઈનકમનું નુકસાન ગયું છે. જૂન મહિનાથી આ પરિણામ સતત ખરાબ આવતા રહ્યા છે.

વર્ષ 2020ના પહેલા હાફ કરતાં બીજા હાફમાં નુકસાન વધી શકવાની સંભાવના છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જે સંસ્થાઓ, કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ અને ઈન્ફોર્મલ વર્કના વિકલ્પો ઓછા હતાં ત્યાં નોકરીઓ વધારે ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્ર સંચાલિત આ આ સંસ્થાના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં નોકરીઓ કપાઈ ગઈ હતી. હવે જો કોરોનાને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો જોબ રીકવરીમાં વિલંબ થઈ શકે છે.

ભારતમાં, ગયા જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓમાં 81 લાખ લોકો બેરોજગાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે.