બિહારમાં વિધાનસભા ચૂંટણી 28-ઓક્ટોબરથી ત્રણ-તબક્કામાં; 10 નવેમ્બરે પરિણામ

નવી દિલ્હીઃ 243 બેઠકોની બિહાર વિધાનસભાની ચૂંટણી આવતા ઓક્ટોબરની 28 તારીખથી ત્રણ તબક્કામાં યોજાશે. મતદાન 28 ઓક્ટોબર ઉપરાંત 3 અને 7 નવેમ્બરે યોજાશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આજે અહીં પત્રકાર પરિષદમાં આ તારીખોની જાહેરાત કરી હતી.

બિહાર રાજ્યમાં હાલ જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપની સંયુક્ત સરકાર છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ જાહેરાત કરી જ દીધી છે કે પક્ષ બિહારની ચૂંટણી મુખ્ય પ્રધાન અને જેડી-યૂના નેતા નીતિશ કુમારની આગેવાની હેઠળ લડશે.

અરોરાએ કહ્યું કે 71 બેઠકો માટે 28 ઓક્ટોબરે મતદાન યોજાશે, 94 બેઠકો માટે 3 નવેમ્બરે અને બાકીની 78 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન યોજાશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી મતદાનનો સમય એક કલાક માટે વધારે રાખવામાં આવ્યો છે. મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. પરંતુ આ નિયમ નક્સલવાદી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં લાગુ નહીં કરાય.

હાલની વિધાનસભાની મુદત 29 નવેમ્બરે પૂરી થાય છે.

રાજ્યમાં કુલ 7.29 કરોડ મતદારો છે. આમાં 3.85 કરોડ પુરુષો છે અને 3.4 કરોડ મહિલા મતદારો છે. 1.6 લાખ સર્વિસ મતદારો છે.

2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ 80 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. જેડીયુએ 71 અને કોંગ્રેસે 27 બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટીએ 53 સીટ મેળવી હતી. એલજેપી પાર્ટીએ બે, જિતન રામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા-સેક્યુલર પાર્ટીએ એક સીટ જીતી હતી. અન્યો તથા અપક્ષ ઉમેદવારોએ 10 સીટ કબજે કરી હતી.

53 સીટ જીતવા છતાં ભાજપ સૌથી વધારે વોટ શેર (24%) મેળવવામાં સફળ થયો હતો.

2015માં, જેડી-યૂ, આરજેડી અને કોંગ્રેસે મહાગઠબંધન રચીને સાથે મળીને ચૂંટણી લડી હતી.

બીજી બાજુ, ભાજપની આગેવાની હેઠળના એનડીએ જૂથેે લોકજનશક્તિ પાર્ટી તથા અન્ય પક્ષોની સાથે ચૂંટણી લડી હતી.

ચૂંટણી બાદ, 2017માં, જેડી-યૂ અને આરજેડી વચ્ચે મતભેદો સર્જાયા હતા, પરિણામે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આરજેડી સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એમની જેડી-યૂ પાર્ટી ફરી ભાજપ-એનડીએ સાથે જોડાઈ ગઈ હતી. આમ, તેમણે રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખી હતી.

વડા ચૂંટણી કમિશનર અરોરાએ કહ્યું કે બિહારમાં ચૂંટણી ઉમેદવારો ઓનલાઈન અને ઓફ્ફલાઈન, બંને રીતે એમનું ઉમેદવારીપત્ર ભરી શકશે. ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓ મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાન કરી શકશે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા કેન્દ્ર સરકારે ઘોષિત કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું ચૂંટણી-મતદાન વખતે પાલન કરવાનું રહેશે, જેમ કે, ફેસ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ સ્કેનર્સ, ગ્લોવ્સ, ફેસ શિલ્ડ, પીપીઈ કિટ્સ, સોશિયલ ડિસ્ટન્સ વગેરે. તમામ મતદારોને વોટર રજિસ્ટર પર સહી કરતી વખતે તેમજ વોટિંગ વખતે ઈવીએમ મશીનનું બટન દબાવતી વખતે હેન્ડ ગ્લોવ્સ પૂરા પાડવામાં આવશે.

ચૂંટણી ઉમેદવારો સિક્યોરિટી ડિપોઝીટની રકમ ઓનલાઈન પણ ભરી શકશે.

કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન વિશ્વમાં યોજાનાર આ સૌથી મોટી ચૂંટણી હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]