સુશાંત સિંહ રાજપૂતનું અકાળે મોતઃ બોલીવૂડ, રમતવીરો શોકમાં ગરકાવ

મુંબઈઃ ફૂટડા યુવા બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કથિતપણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યાના સમાચારે સનસનાટી ફેલાવી દીધી છે. ખાસ કરીને બોલીવૂડમાં અને દેશની ખેલકૂદ હસ્તીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

‘ધોની’ ફિલ્મમાં ટાઈટલ ભૂમિકા કરનાર સુશાંત સિંહની અકાળે એક્ઝિટના સમાચાર જાણ્યા બાદ કેટલાક ફિલ્મી અને ખેલકૂદ સિતારાઓએ ટ્વિટર ઉપર શોક વ્યક્ત કર્યો છે.

અક્ષય કુમાર, રિચા ચઢ્ઢા, સંજય સુરી, રિતેશ દેશમુખ, મનોજ જોશી, ઉર્મિલા માતોંડકરે ટ્વીટ કરીને સુશાંતના મૃત્યુ અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

આ છે કેટલાક ટ્વીટ્સઃ

‘ધોની’ ફિલ્મમાં સુશાંતની હિરોઈન બનનાર દિશા પટનીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ફિલ્મમાં સુશાંત સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી છે. એની સાથે કેપ્શન તરીકે એણે કશું જ લખ્યું નથી, જે દર્શાવે તે સુશાંતના મૃત્યુને કારણે દિશા દિગ્મૂઢ થઈ ગઈ છે.

ખેલકૂદ ક્ષેત્રની વ્યક્તિઓમાં, ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, બેડમિન્ટન ચેમ્પિયન સાઈના નેહવાલ, ભૂતપૂર્વ ક્રિકેટરો વિરેન્દર સેહવાગ, મોહમ્મદ કૈફ અને વર્તમાન ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ ટ્વિટર ઉપર શોકસંદેશો પોસ્ટ કર્યો છે. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ્સ વિજેતા સાનિયા મિર્ઝાએ પણ દર્દભર્યું ટ્વીટ લખ્યું છે.

બાદમાં સમાચાર આવ્યા હતા કે સુશાંત સિંહના ઘરમાં તપાસ કરનાર પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]