ભગવાન જગન્નાથના મુગટ-વાઘા માટેની તૈયારીઓનો આરંભ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાંથી નીકળનાર આગામી વાર્ષિક રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ જે મુગટ અને વાઘા પહેરે છે એની તૈયારી પણ થઇ રહી છે.

શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા સુનીલભાઈ સોની (વાઘાવાળા) ભગવાન જગન્નાથના મુગટ અને વાઘા તૈયાર કરે છે.

અઢાર વર્ષથી રથયાત્રા દરમિયાન સુનીલભાઈ ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે.

સુનિલ ભાઈ ‘ચિત્રલેખા. કોમ’ને કહે છે, ‘મહંત દિલીપદાસજી પહેલાના મહંતના સમયથી મુગટ-વાઘા તૈયાર કરીએ છીએ. અઢાર વર્ષ પહેલા એકવાર સ્વામિનારાયણ મંદિર માટે કામ કર્યું હતું. સૌને મારું કામ ગમ્યું હતું.  એ પછી એક હરિભક્ત મને જગન્નાથ મંદિરે લઇ ગયા અને ત્યારબાદ અહીં બનાવેલા વાઘા-મુગટથી ભગવાન જગન્નાથને રથયાત્રા દરમિયાન તૈયાર કરવામાં આવે છે.’

આ વર્ષે કોરોના વાઈરસ મહાબીમારીની આફત વચ્ચે રથયાત્રા કેવી રીતે નીકળશે એ હજુ નક્કી નથી,  પરંતુ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)