કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ કરાઈ

મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોવાની શંકા જતાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગના અધિકારીઓએ એને અટકાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, કૃણાલ યુએઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા બાદ મુંબઈ આવી પહોંચ્યો હતો. ત્યારે ડીઆરઆઈના જવાનનોએ એને અટકાવ્યો હતો. કૃણાલ ગઈ 10 નવેમ્બરે દુબઈમાં આઈપીએલ-2020નું વિજેતાપદ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય હતો. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. કૃણાલ આઈપીએલમાં અત્યાર સુધીમાં મુંબઈ ટીમ વતી 71 મેચોમાં રમ્યો છે. 2017ની ફાઈનલમાં એ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

એનડીટીવીના અહેવાલ મુજબ, ડીઆરઆઈ સૂત્રના જણાવ્યા મુજબ, કૃણાલ પાસે હીરાજડિત બે લક્ઝરી કાંડાઘડિયાળો હતી (બે ઓડેમર્સ પિગેટ અને બે રોલેક્સ ઘડિયાળ). આ કેસ પ્રમાણમાં નાનો હોવાથી ડીઆરઆઈ વિભાગે સામાન્ય નિયમો અનુસાર કેસને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગને સુપરત કરી દીધો હતો. અધિકારીઓએ એની ત્રણેક કલાક સુધી પૂછપરછ કરી હતી. ઘડિયાળો જપ્ત કરી લીધા બાદ એને જવા દેવામાં આવ્યો હતો એવું અહેવાલોનું કહેવું છે. નિયમાનુસાર, જો કૃણાલ આ ઘડિયાળ લેવા માગતો હશે તો એણે કસ્ટમ્સ ડ્યૂટી અને દંડની રકમ ભરવી પડશે. આ કેસમાં ઈમ્પોર્ટેડ ઘડિયાળો પર 38.5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગી શકે છે.