મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી આવૃત્તિ આવતી 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે, પણ તે પૂર્વે કોરોનાવાઈરસ મહાબીમારીએ મોટો ગભરાટ ફેલાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ, મુંબઈમાં જ્યાં મેચો રમાવાની છે તે વાનખેડે સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો, રોયલ ચેલેન્જર બેંગલોરના ઓપનર દેવદત્ત પડીક્કલ, એક ટીમના એક્ઝિક્યૂટિવ, સ્પર્ધા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે રોકેલી એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સભ્યો તથા બીજી કેટલીક વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગયા વર્ષની ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ઉપરાંત સ્પર્ધાની કુલ 8માંની બીજી પાંચ ટીમ – ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ હાલ મુંબઈમાં છે. અક્ષર પટેલનો પહેલો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પણ બીજો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એ હાલ મુંબઈના એક નિયુક્ત તબીબી કેન્દ્રમાં આઈસોલેશનમાં છે. વાનખેડે સ્ટેડિયમમાં પિચ અને મેદાન તૈયાર કરવાની કામગીરીમાં સામેલ સ્ટાફના અનેક સભ્યોને પણ કોરોના થયો હોવાનો અહેવાલ છે. જોકે મુંબઈ ક્રિકેટ એસોસિએશને ઈનકાર કર્યો છે.
હાલ દેશભરમાં કોરોનાના કેસ ખૂબ વધી ગયા છે અને એમાં મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈ શહેરમાં સ્થિતિ ગંભીર છે. મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના 9,000 કેસ નોંધાયા હતા. મુંબઈ પર લોકડાઉનનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ વખતની આઈપીએલ મોસમમાં 10 મેચોનું આયોજન મુંબઈના વાનખેડેમાં થવાનું છે.