ભાવનગરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ વતી રમતા ભાવનગરનિવાસી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતા કાનજીભાઈનું આજે અહીંની હોસ્પિટલમાં અવસાન થયું છે. ટીવી-9 ગુજરાતના અહેવાલ મુજબ, આઈપીએલમાંથી છૂટો કરાયા બાદ ચેતન તરત જ ભાવનગર આવી એના પિતાને હોસ્પિટલમાં મળવા ગયો હતો. ગઈ કાલે આખો દિવસ એ તેમની પાસે જ હતો, પણ આજે એમના નિધનના આઘાતજનક સમાચાર મળ્યા. કાનજીભાઈ સાકરીયા ટેમ્પો ડ્રાઈવર હતા. એમની તબિયત બગડી જતાં એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. વધારે દુઃખદ વાત એ છે કે હજી અમુક મહિનાઓ પહેલાં જ ચેતને તેના નાના ભાઈ રાહુલને ગુમાવ્યો હતો, જેણે આત્મહત્યા કરી હતી, એમ ઈન્ડિયા ટીવીના અહેવાલમાં જણાવાયું છે.
પિતાની તબિયત સારી ન હોવાની ચેતનને ગયા અઠવાડિયે જ તેના પરિવાર દ્વારા ફોન મારફત જાણ કરવામાં આવી હતી. પિતા બીમાર હોવાથી પરિવારને મદદરૂપ થઈ શકાય એ માટે ચેતને રાજસ્થાન રોયલ્સ ટીમને વિનંતી કરતા એનો આઈપીએલ પગાર તરત જ એના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો હતો. ખેલાડીઓની હરાજી વખતે રાજસ્થાન રોયલ્સે ચેતનને રૂ.1 કરોડ 20 લાખની કિંમતે ખરીદ્યો હતો.