પીયૂષ ચાવલાના પિતાનું કોરોનાને કારણે અવસાન

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીએ દેશના એક વધુ ક્રિકેટરના પિતાનો ભોગ લીધો છે. ગઈ કાલે ભાવનગરના ચેતન સાકરીયાના પિતાનું આ ચેપી બીમારીને કારણે નિધન થયા બાદ આજે ઉત્તર પ્રદેશના અલીગઢનિવાસી લેગસ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદકુમાર ચાવલાનો પણ આ બીમારીને કારણે દેહાંત થયો છે. લેગસ્પિનર ચાવલાએ જ સોશિયલ મિડિયા મારફત આ દુઃખદ સમાચાર આપ્યા છે. ચાવલાએ પોસ્ટમાં લખ્યું છે કે એના પિતાને કોરોના થયો હતો અને તેને કારણે કેટલીક બીજી તકલીફો પણ ઊભી થઈ હતી. આજે સવારે એમનો સ્વર્ગવાસ થયો છે. એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.

પીયૂષ ચાવલા આઈપીએલ-2021માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી હતો. આ સ્પર્ધા આ વખતે કોરોનાનો ચેપ ફેલાવાને કારણે પડતી મૂકી દેવામાં આવી છે. ચાવલા ભારતીય ટીમ વતી ત્રણ ટેસ્ટ મેચ, 25 વન-ડે ઈન્ટરનેશનલ અને સાત ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યો છે. એણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 43 વિકેટ લીધી છે. આઈપીએલમાં તે ચાર ટીમ વતી રમ્યો છે. આ સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેવામાં એ ત્રીજા નંબરનો બોલર છે. એ 164 મેચોમાં 156 વિકેટ લઈ ચૂક્યો છે.