ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતીય ટીમઃ હાર્દિક આઉટ, જાડેજા ઈન

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટમેચોની સિરીઝ માટે 20-સભ્યોની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર અનામત ખેલાડીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં 18 જૂનથી રમાશે. ત્યારબાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. પહેલી ટેસ્ટ 4 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી ટેસ્ટ 14 સપ્ટેમ્બરે પૂરી થશે. ટીમમાં ડાબોડી બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પુનરાગમન કર્યું છે. ઈજાને કારણે તે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણાની ટેસ્ટ મેચો ચૂકી ગયો હતો. એવી જ રીતે, પોતાના લગ્નને કારણે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ ચૂકી જનાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ ટીમમાં પાછો ફર્યો છે. ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણીમાં ભારતે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું હતું અને 72.2 પર્સન્ટેજ પોઈન્ટ્સ મેળવી, નંબર-1 ટીમ બનીને WTC ફાઈનલમાં રમવા માટે ક્વોલિફાય થયું હતું.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કે.એલ. રાહુલ (ફિટનેસની મંજૂરી મળે તો), રિદ્ધિમાન સહા (વિકેટકીપર – ફિટનેસની મંજૂરી મળે તો). અનામત ખેલાડીઓઃ અભિમન્યૂ ઈશ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાનન, અર્ઝાન નાગવાસવાલા.