બંગલાદેશે રચ્યો ઇતિહાસઃ પાકિસ્તાનનો 2-0થી ક્લીન સ્વીપ

રાવલપિંડીઃ બંગલાદેશ ક્રિકેટ ટીમે પાકિસ્તાનની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ 2-0થી પોતાને નામે કરી લીધી છે.  બંગલાદેશે પાકિસ્તાનને બીજી ટેસ્ટ મેચ છ વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. બંગલાદેશની ટીમ સૌપ્રથમ વાર પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીતી છે.

બંગલાદેશે 185 રનનો ટાર્ગેટ છ વિકેટે ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનર ઝાકિર હસને 40, કપ્તાન નજમૂલ હસન શાન્તોએ 38, મોમિનુલ હકે 34 અને શાદમાન ઇસ્લામે 24 રન બનાવ્યા હતા, જ્યારે મુશાફિકુર રહીમે નોટઆઉટ 22 અને શાકિબ અલ હસને અણનમ રહીને 21 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મીર હમજા, ખુરમ શાહજાદ, અબરાર અહમદ અને આગા સલમાને 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન સામે બંગલાદેશના કેપ્ટન નજમૂલ હુસેન શાંટે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં પહેલી ઇનિંગ્સમાં 274 રન કર્યા હતા અને બંગલાદેશના મેહદી હસમ મિરાજે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે બંગલાદેશ પહેલી ઇનિંગ્સમાં 262 રને ઓલઆઉટ થયું હતું. આ ઇનિંગ્સમાં બંગલાદેશે એક તબક્કે માત્ર 26 રને છ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે વિકેટકીપર અને બેટ્સમેન લિટન દાસ અને મેહદી હસને ઇનિંગ્સને સંભાળી હતી અને ટીમને એક સારા સ્કોરે પહોંચાડી હતી. પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાનને 12 રનોની લીડ મળી હતી.

ત્યાર બાદ બંગલાદેશને જીતવા માટે માત્ર 185 રનોનું લક્ષ્ય મળ્યું હતું. જેને તેમણે માત્ર ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. આમ બંગલાદેશે પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. પાકિસ્તાન 0-2થી ક્લીન સ્વિપ થઈ ગયો છે.