બંગલાદેશ 149માં ઓલઆઉટઃ બુમરાહે રચ્યો ઇતિહાસ

ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈ (ચેપોક)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ભારતે બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. ભારતે આ સાથે બંગલાદેશની સામે 306 રનની લીડ મેળવી છે.

આ પહેલાં મેચના પહેલા દિવસે ભારત 376 રને ઓલઆઉટ થયું હતું. જે પછી બંગલાદેશ માત્ર 149 રન જ બનાવી શક્યું હતું. બંગલાદેશનો કોઈ બેટર પિચ પર ટકી શક્યો નહોતો અને સમયાંતરે વિકેટો પડી હતી. ભારત વતી બુમરાહે ચાર વિકેટ, સિરાજ,  આકાશ દીપ અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને એક પણ વિકેટ મળી નહોતી.

આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેણે બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ લેનારો 10મો ભારતીય બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી બાદ તેણે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.