પહેલી ટેસ્ટઃ પહેલા દિવસે માત્ર કોહલી ચમક્યો

એડીલેડઃ ઓસ્ટ્રેલિયા સામે આજથી અહીં શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચ, જે ડે-નાઈટ છે અને ગુલાબી બોલથી રમાઈ રહી છે, તેમાં આજે દિવસને અંતે ભારતીય ટીમે તેના પહેલા દાવમાં 6 વિકેટના ભોગે 233 રન કર્યા હતા. ભારતના દાવને આ સ્કોર પર આજે સીમિત રાખવાનો શ્રેય ઓસી બોલરોને જાય છે. ખાસ કરીને ત્રણ ફાસ્ટ બોલર – મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ. ઓફ્ફ સ્પિનર નેથન લિયોંએ ચેતેશ્વર પૂજારા (43)ની વિકેટ લીધી હતી જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (74) રનઆઉટ થયો હતો.

કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ઓપનર પૃથ્વી શૉ દાવના બીજા જ બોલે સ્ટાર્ક દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. અન્ય ઓપનર મયંક અગ્રવાલે 17, અજિંક્ય રહાણેએ 42, હનુમા વિહારીએ 16 રન કર્યા હતા. વિકેટકીપર રિદ્ધિમાન સહા 9 અને રવિચંદ્રન અશ્વિન 15 રન સાથે દાવમાં હતો. પૂજારા અને કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે 68 અને કોહલી-રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 88 રનની ભાગીદારી ઉલ્લેખનીય રહી. રહાણેની ભૂલને કારણે કેપ્ટન કોહલી રનઆઉટ થતા ભારતને મોટો ફટકો પડ્યો હતો. રહાણેએ રન લેવાનો કોલ આપ્યો હતો, પણ કોહલી દોડ્યા બાદ રહાણે એની ક્રીઝમાં પાછો જતો રહ્યો હતો, પરિણામે અડધે રસ્તે આવી પહોંચેલો કોહલી ફસાઈ ગયો હતો. કોહલીએ 180 બોલનો સામનો કર્યો હતો અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.