દેશમાં ઓનલાઇન ડેટિંગનો ક્રેઝ વધ્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાને લીધે લોકોની જીવનશૈલીમાં ભારે બદલાવ આવ્યો છે. વળી, કોરોના રોગચાળાને કારણે દેશમાં લાગુ થયેલા લોકડાઉનનાં નિયંત્રણો તેમ જ સામાજિક અંતર રાખવાના નિયમોને લીધે ભારતીય યંગ જનરેશન (ખાસ કરીને યુવા કુંવારાઓ)માં વર્ચ્યુઅલ ડેટિંગનો ક્રેઝ છેલ્લા ઘણા સમયથી વધ્યો છે. સમગ્ર દેશમાં ડેટિંગ પ્લેટફોર્મ પર નવા યુઝરનાં રજિસ્ટ્રેશનમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે.

ડેટિંગ એપ QuackQuackએ નાનાં શહેરો અને નગરોમાં સાઇનઅપમાં 300 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં યુઝરનો બેઝ 1.10 કરોડ સુધી પહોંચી ગયા છે. વળી આ પ્લેટફોર્મ પર છેલ્લા 10 લાખ યુઝર છેલ્લા 115 દિવસમાં ઉમેરાયા છે અને છેલ્લા એક વર્ષમાં આશરે 34 લાખ યુઝર જોડાયા છે.    વર્ષ 20202માં વાસ્તવમાં કોરોના રોગચાળાને કારણે લાઇફમાં આવેલા બદલાવને કારણે દેશમાં દેશી સિંગલે વર્ચ્યુઅલ ડેટિંગનો મોટા પાયે સ્વીકાર કર્યો છે. આમાં ભૌગોલિક ક્ષેત્રોમાં બધા વયજૂથના લોકોનો વર્ચ્યુઅલ ડેટિંગ કરવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વળી, નજીકના ભવિષ્યમાં આ યુઝર્સની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. દેશમાં ઓનલાઇન ડેટિંગની સંસ્કૃતિમાં વધારો થઈ રહ્યો છે,  એમ QuackQuackના સ્થાપક રવિ મિત્તલે કહ્યું હતું. ઓનલાઇન ડેટિંગ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વધ્યું છે. આ એપ યુઝર્સમાં મહિલાઓની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે. મહિલા યુઝર્સ આ એપને દિવસમાં 48 વાર ખોલે છે, જ્યારે પુરુષ યુઝર્સ દિવસમાં આ એપ 24 વાર ઉપયોગ કરે છે. વર્ષ 2021માં પણ ઓનલાઇન ડેટિંગનો ક્રેઝ જળવાઈ રહેવાની સંભાવના છે.