બંગલાદેશી ક્રિકેટર શાકિબ અલ હસન પર હત્યાનો કેસ નોંધાયો

ઢાકાઃ બંગલાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન પર બંગલાદેશમાં હિંસક પ્રદર્શનમાં હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. એના સિવાય 156 લોકોને મર્ડરમાં આરોપી બનાવવામાં આવ્યા છે. ક્રિકેટર પર આ મહિનાના પ્રારંભમાં દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં એક કપડાં મજૂરની હત્યાનો આરોપ છે.

મૃતક મોહમ્મદ રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ગુરુવારે ઢાકાના અદબોર પોલીસ સ્ટેશનમાં શાકિબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રૂબેલ એક ટેક્સટાઈલ વર્કર હતો, જેનું પ્રદર્શનમાં મોત થયું હતું. શાકિબ ઉપરાંત અભિનેતા ફિરદૌસ અહમદ વિરુદ્ધ પણ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. શાકિબ આ કેસમાં 28મો આરોપી છે જ્યારે ફિરદૌસ 55મો આરોપી છે. અન્ય આરોપીઓમાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીના, ઓબેદુલ કાદર અને અન્ય 154નો સમાવેશ થાય છે. લગભગ 400-500 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

પાંચ ઓગસ્ટે રૂબેલે એડબોરમાં રિંગ રોડ પર એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. એ રેલીમાં કોઈએ કથિત રીતે એક સુનિયોજિત ગુનાહિત કાવતરાના ભાગરૂપે ભીડ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો, પરિણામે રૂબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી. રૂબેલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સાતમી ઓગસ્ટે તેનું મોત થયું હતું.

શાકિબ અલ હસન અને ફિરદૌસ અહમદ આ વર્ષે જાન્યુઆરીમાં અવામી લીગની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવવાને કારણે બંનેએ તેમનું  સભ્યપદ ગુમાવી દીધું હતું. શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે.