અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચ રવિવારે રમાવાની છે. આ મેચની તૈયારી ના માત્ર ખેલાડીઓ અને કોચ જોડાયા છે, પણ સટ્ટા વેપારી પણ સજ્જ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્લ્ડ કપની ફાઇનલ મેચ આશરે રૂ. 70,000 કરોડનો સટ્ટો લાગેલો છે, એમ સૂત્રોએ કહ્યું હતું. એક મેચ, બે ટીમો અને 22 ખેલાડીઓ પર ક્રિકેટપ્રેમીઓ જ નહીં, પણ સટોડિયાઓની નજર પર લાગેલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન સટ્ટાના બધા રેકોર્ડ્સ તૂટ્યા છે. અત્યાર સુધી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં રૂ. 70,000 કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે. આ પહેલાં ભારત અને પાકિસ્તાનની મેચમાં સટ્ટો લાગેલો હતો. વિશ્વના કેટલાંય પ્લેટફોર્મ ગયા સપ્તાહે સક્રિય થઈ ગયાં છે. જેના દ્વારા લોકો સટ્ટો લગાવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમ્યાન 500થી વધુ બેટિંગ વેબસાઇટ અને આશરે 300 મોબાઇલ એપ્સ સક્રિય થઈ ચૂક્યાં છે. આ બધી એપ્સ અને વેબસાઇટ પર બુકીઓએ મેચ પહેલાં બધા પ્રકારના સટ્ટાના ભાવ શરૂ કરી દીધા છે, જેથી લોકો અત્યારથી બેટિંગ શરૂ કરી શકે. આટલું જ નહીં બુકીઓએ ભવિષ્યવાણી પણ કરી દીધી છે કે ટીમ ઇન્ડિયા જ ટોસ જીતશે અને પહેલાં બેટિંગ કરશે. એટલા માટે ટોસ પર ઇન્ડિયાના ભાવ ઓછા અને ઓસ્ટ્રેલિયાના ભાવ વધુ છે.
આ મેચમાં ટીમ ઇન્ડિયાની જીતનો ભાવ 20 પૈસા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો 35 પૈસા છે. આ સાથે બોલિંગમાં ઓસ્ટ્રેલિયા પર 15 પૈસા અને ઇન્ડિયા પર 35 પૈસાનો સટ્ટો છે. આ સાથે મેચનો સ્કોર 250-300- 30 પૈસા, 300-350- 45 પૈસા, 350-400- 60 પૈસા અને 400+ -80 પૈસા છે.