બર્મિંઘમઃ ભારતે ગઈ કાલે અહીં એજબેસ્ટન મેદાન પર રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ઈંગ્લેન્ડને હરાવીને ત્રણ-મેચોની શ્રેણીને 2-0ની અપરાજિત સરસાઈ સાથે પોતાના કબજામાં લઈ લીધી છે. પહેલી મેચ 50 રનથી જીત્યા બાદ ભારતે ગઈ કાલે બીજી મેચ 49 રનથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલરે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 170 રન કર્યા હતા. એમાં રવિન્દ્ર જાડેજાનો સૌથી વધારે યોગદાન હતું – 46 રન અણનમ (29 બોલમાં). ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં માત્ર 121 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ત્રીજી અને શ્રેણીની આખરી મેચ આજે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.
ગઈ કાલે મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ જાડેજાની બેટિંગ ક્ષમતાની ખૂબ પ્રશંસા કરી હતી. એણે કહ્યું કે ઓલરાઉન્ડર જાડેજાએ ગઈ કાલે દબાણની પરિસ્થિતિમાં પણ શાંતિ અને સંયમમાં રહીને બેટિંગ કરી હતી. અમે ચાહતા હતા કે કોઈક ખેલાડી દાવના અંત સુધી રમે અને ટીમને સારો સ્કોર અપાવે. જાડેજાએ આ જ મેદાન પર સદી ફટકારી હતી અને દાવના અંત સુધી રમ્યો હતો.