ભારત સામે હોંગકોંગની ટીમમાં ભારત, પાકના 16 ક્રિકેટરો

નવી દિલ્હીઃ હોંગકોંગ ક્રિકેટ ટીમ ચોથી વાર એશિયા કપમાં ભાગ લઈ રહી છે. ક્વોલિફાયર જીતીને ગ્રુપ Aમાં સામેલ થયેલી ટીમની આજે ભારત સામે મેચ છે. બેંને ટીમોની વચ્ચે સાંજે 7.30 કલાકે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. હોંગકોંગની ટીમ રોહિત એન્ડ કંપનીને ટક્કર આપવામાં સક્ષમ છે. હોગકોંગની ટીમ ત્રીજી વાર ભારતની સામે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જેમાં T20માં બંને ટીમો પહેલી વાર સામસામે હશે.

ભારતનો હોંગકોંગ સામે રેકોર્ડ 100 ટકા જીતવાનો છે. છેલ્લી બંને મેચમાં ભારતીય ટીમે એને હરાવી હતી અને આજે પણ ટીમ ઇન્ડિયા જીતે એવી શક્યતા છે. ગઈ વખતે હોંગકોંગનો કેપ્ટન ભારતીય મૂળનો અંશુમન રથ હતો, જ્યારે આ વખતે ટીમની કેપ્ટનશિપ પાકિસ્તાની મૂળના નિજાકત ખાન પાસે છે. હોંગકોંગની ટીમમાં એક ખેલાડી છોડીને બાકીના બધા ભારત અને પાકિસ્તાનની મૂળના ક્રિકેટરો છે.

હોંગકોંગના 17 ક્રિકેટરોમાંથી 12 ક્રિકેટરો પાકિસ્તાની મૂળના છે, જ્યારે ચાર ભારતીય મૂળના ક્રિકેટરો છે. આ ટીમનો વાઇસ કેપ્ટન કિંચિત શાહનો જન્મ 1995માં મુંબઈમાં થયો હતો. ટીમના ઓલરાઉન્ડર કિંચિત હોંગકોંગ માટે 10 વનડે અને 43 T20 મેચ રમી ચૂક્યો છે.

આ સિવાય ઝડપી બોલર ધનંજય રાવ, આયુષ શુક્લા અને 17 વર્ષનો અહાન ત્રિવેદીના મૂળ ભારતથી જોડાયેલો છે. અહાન અને ધનંજયે હજી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ નથી કર્યું, પણ આયુષે પાંચ મેચોમાં પાંચ વિકેટ લીધી છે.