કોહલીએ ધુઆંધાર ઇનિંગ્સ રમવા માટે અભિનંદન પાઠવતાં યાદવ નતમસ્તક

દુબઈઃ એશિયા કપમાં ગઈ કાલે હોંગકોંગની સામે ભારતને 40 રનોથી જીત મળી હતી. ભારતની જીતમાં સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે વિરાટે 44 બોલમાં 59 રનની ઇનિંગ્સ રમી હતી. બંને ત્રીજી વિકેટ માટેમ 98 રનની ભાગીદારી કરી હતી, જેથી ભારત 20 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવી શક્યું હતું.

સૂર્યકુમારની ધમાકેદાર ઇનિંગ્સે કોહલીને અચરજમાં મૂકી દીધો હતો, કેમ કે ભૂતપૂર્વ કેપ્ટને ભારતની ઇનિંગ્સ પૂરી થયા પછી યાદવને એક ઇશારો કર્યો હતો. એ વિરાટ કોહલી દ્વારા એક હાર્દિક ઇશારો હતો, એ વિશે યાદવે કહ્યું હતું કે મેં આવો ઇશારો ક્યારેય જોયો નહોતો.

કોહલી યાદવની ધુઆંધાર ઇનિંગ્સથી ઘણો પ્રભાવિત હતો અને તેણે યાદવને શાનદાર બેટિંગ માટે અભિનંદન આપ્યાં હતાં. તેણે મેદાનમાંથી બહાર નીકળતાં કહ્યું હતું કે ચાલો એકસાથે આગળ વધીએ. યાદવે મેચ પછી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોહલી પાસે મેચ રમવાનો એટલો અનુભવ છે કે મને તેની સાથે બેટિંગ કરવાની બહુ મજા આવી. આ પ્રકારની સ્થિતિમાં કોઈનો અનુભવ હોવો જરૂરી છે.

મેચ ઓફ ધ મેચ વિજેતા યાદવે કહ્યું હતું કે હું ક્રીઝ પર ગયો, ત્યારે વિકેટ થોડી ધીમી હતી. મેં વિરાટ સાથે વાત કરી, ત્યારે તેણે કહ્યું કે બસ, ખુદને વ્યક્ત કરો અને જેમ બેટિંગ કરો છો, એમ જ કરો.