નાગરિકતા મળ્યા પહેલાં મતદાર યાદીમાં જોડાયું સોનિયા ગાંધીનું નામઃ ઠાકુર

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદીના સુધારણા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર મત ચોરીના આરોપ લગાવ્યા છે. તેને લઈને આજે ભાજપે વળતો હુમલો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું નામ તેમને નાગરિકતા મળ્યા પહેલાં જ મતદાર યાદીમાં નોંધાઈ ગયું હતું. આ મુદ્દે ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ ટ્વિટ કર્યું છે, તો બીજી તરફ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે એક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તેજસ્વી યાદવથી લઈને મમતા બેનર્જી સુધીના આરોપોના જવાબ આપ્યા હતા.

અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે આખરે કોંગ્રેસ હિંદુસ્તાનના લોકોના મતને ઓછા કેમ બતાવવા માગે છે? તેમણે કહ્યું હતું કે શું હિંદુસ્તાનના મતદાતાઓએ વારંવાર કોંગ્રેસને નકારી કાઢ્યા છે, એટલે હવે કોંગ્રેસ પોતાના ઘૂસણખોર મતબેંક સુધી સીમિત રહેવા માગે છે?

સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તીખો હુમલો કરતાં કહ્યું હતું કે હારે છે અને આરોપ ચૂંટણી પંચ (ECI) અને ભાજપ પર લગાવે છે. ધૂળ એમના ચહેરા પર હતી અને અરીસો સાફ કરતા રહ્યા. કાલે કોઈ કોંગ્રેસ નેતા બોલ્યા કે રાહુલ ગાંધી ભયંકર કરી દીધું, તો હું કહું છું ભયંકર નહીં, પરંતુ ‘બ્લન્ડર’ કર્યું છે. ચૂંટણી સમયે બંધારણને લઈને ભ્રમ ફેલાવ્યો અને હવે ફરીથી ખોટું બોલી રહ્યા છે. એમની પાસે ચૂંટણી માટે કોઈ મુદ્દો જ નથી બચ્યો.

અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે મતદાતાઓ મૂર્ખોની ટોળકી છે. જ્યારે રાજીવ ગાંધી ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે બેલેટ પેપરને દોષી ઠેરવ્યું. રાહુલ ગાંધીના પિતા કહેતા હતા કે મતદાન મશીનો વડે ચૂંટણી કરાવો અને રાહુલ ગાંધી કહે છે કે બેલેટ પેપર વડે ચૂંટણી કરાવો. આ લોકો બીજાઓ પર આરોપ લગાવતા જ રહે છે, તો હવે પરિવાર જ નક્કી કરી લે કે કોને રાખવું અને કોને નહીં.