બાંગ્લાદશમાં પ્રવર્તતી અરાજકતા, હિંસા યુનુસની દેનઃ શેખ હસીના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશનું રાજકારણ ફરી એક વાર ઊથલપાથલના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ મૌન તોડીને આંતરરાષ્ટ્રીય મંચ પરથી પોતાની વાત રજૂ કરી છે. શેખ હસીનાએ બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ, વચગાળા સરકારની ભૂમિકા સહિત અનેક મુદ્દાઓ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

શેખ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં અરાજકતા વધુ વધી છે. ઉસ્માન હાદીની હત્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ દુઃખદ હત્યા એ અરાજકતાને દર્શાવે છે, જેને કારણે મારી સરકાર ઊથલી ગઈ અને યુનુસના શાસનમાં તે વધુ ગંભીર બની ગઈ છે. હિંસા હવે સામાન્ય બાબત બની ગઈ છે, જ્યારે વચગાળાની સરકાર અથવા તો તેને નકારી રહી છે અથવા તેને અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. આવી ઘટનાઓ બાંગ્લાદેશને આંતરિક રીતે અસ્થિર બનાવે છે અને અમારા પડોશી દેશો સાથેના સંબંધોને પણ અસર કરે છે, જે આ સ્થિતિને યોગ્ય ચિંતા સાથે જોઈ રહ્યા છે. ભારત અરાજકતા, અલ્પસંખ્યકો પર અત્યાચાર મૂકપણે જોઈ રહ્યું છે.

આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરાયા – શેખ હસીના

બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઇસ્લામિક તાકાતોને લઈને શેખ હસીનાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં દાવો કર્યો છે કે યુનુસે દોષિત આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરી દીધા છે. યુનુસે કટ્ટરપંથીઓને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે, દોષિત ઠરાવવામાં આવેલા આતંકવાદીઓને જેલમાંથી છોડ્યા છે. આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાની સ્થિરતામાં રસ ધરાવતા દરેક દેશ માટે ચિંતાજનક બાબત છે.

 ભારત બાંગ્લાદેશનો મિત્ર છે – શેખ હસીના

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે  તમે જે તણાવ જોઈ રહ્યા છો, તે સંપૂર્ણપણે યુનુસને કારણે છે. તેમની સરકાર ભારત વિરુદ્ધ શત્રુભાવપૂર્ણ નિવેદનો આપે છે, ધાર્મિક અલ્પસંખ્યકોની રક્ષા કરવામાં નિષ્ફળ જાય છે અને કટ્ટરપંથીઓને વિદેશ નીતિ નક્કી કરવાની છૂટ આપે છે, અને પછી તણાવ વધે ત્યારે આશ્ચર્ય વ્યક્ત કરે છે. ભારત દાયકાઓથી બાંગ્લાદેશનો સૌથી મજબૂત મિત્ર અને ભાગીદાર રહ્યું છે. અમારા બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા અને મૂળભૂત છે.