બિહાર એક્ઝિટ પોલ NDAતરફી આવતાં સેન્સેક્સ 600 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ એશિયન બજારોમાં પ્રોત્સાહક વલણની વચ્ચે ઘરેલુ શેરબજારોમાં તેજી ઈ હતી. બિહાર ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં NDA સરકાર આવવાનાં એંધાણને પગલે શેરોમાં તેજીની આગેકૂચ જારી રહી હતી. જેથી સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 595.19 પોઇન્ટના વધારા સાથે 84,466.51 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 180.85 પોઇન્ટની તેજી સાથે 25,875.80ના સ્તરે બંધ રહ્યો હતો.

આ સાથે ભારત-અમેરિકા વેપાર કરાર જલદી અંતિમ તબક્કે પહોંચવાની શક્યતા છે એવા સમાચાર અને બિહાર વિધાનસભા ચૂંટણીનાં એક્ઝિટ પોલ્સમાં એનડીએની વાપસીની શક્યતાથી બજારમાં શેરોમાં સાર્વત્રિક ખરીદદારી જોવા મળી હતી. ઘરેલુ બજારમાં IT શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી થઈ હતી. IT ઇન્ડેક્સ આશરે બે ટકા વધ્યો હતો. ટેક મહિન્દ્રા, એમ્ફાસિસ, LT માઇન્ડટ્રી અને TCSમાં 2-3 ટકાની તેજી થઈ હતી.  આ સાથે કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોને પગલે પણ બજારની તેજી આગળ વધી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સે નવો રેકોર્ડ સ્તર સ્પર્શ કરતાં 0.8 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 0.8 ટકા વધીને બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.63 લાખ કરોડનો વધારો

BSEમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને 473.57 લાખ કરોડ રૂપિયે પહોંચી ગયું, જ્યારે અગાઉના કારોબારી દિવસે તે 468.94 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે, BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 4.63 લાખ કરોડનો વધારો થયો છે.

BSE પર કુલ 4373 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2499 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1713 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 161 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 135 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 50 શેરોએ 120 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 188 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 180 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.