RSSના ઈન્દ્રેશ કુમારનો વિવાદિત નિવેદન પર યુ-ટર્ન

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઈન્દ્રેશ કુમારે પોતાના નિવેદન પર યુ-ટર્ન માર્યો છે. ઈન્દ્રેશ કુમારે ગુરુવારે જયપુરમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, “ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે-ધીમે અહંકારી બની ગયા હતા. તે પક્ષને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. પરંતુ તેમને જે સંપૂર્ણ અધિકારો અને સત્તા મળવી જોઈએ એ ભગવાને અહંકારને કારણે અટકાવી દીધા. ભાજપના ઘમંડને કારણે ભગવાન રામે તેમને 241 પર રોક્યા છે.”

જો કે આ નિવેદન મામલે વિવાદ સર્જાતા 24 કલાકની અંદર જ RSS નેતા ઈન્દ્રેશ કુમારે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે. તેમના નેતૃત્વમાં દેશ દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે. લોકોમાં આ વિશ્વાસ જાગ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આ વિશ્વાસ વધુ ખીલે.” પોતાના નિવેદન પર રાજકીય વિવાદ સર્જાયા બાદ ઈન્દ્રેશ કુમારે પોતાની સ્પષ્ટતામાં કહ્યું, “આ સમયે દેશનું વાતાવરણ એકદમ સ્પષ્ટ છે. રામનો વિરોધ કરનારા તમામ સત્તાની બહાર છે. જેમણે રામભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ આજે સત્તામાં છે.”ઈન્દ્રેશ કુમારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહની હાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું, “રામનો વિરોધ કરનારને આપોઆપ નુકસાન થયું. જ્યારે લલ્લુ સિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ કહ્યું કે 5 વર્ષ આરામ કરો. રામ ભેદભાવ કરતા નથી, રામ સજા કરતા નથી. રામ કોઈને નુકસાન પહોંચાડતા નથી. રામ દરેકને ન્યાય આપે છે, આપતા આવ્યા છે અને આપતા રહેશે. રામ હંમેશાં ન્યાયપ્રિય હતા અને હંમેશાં રહેશે.”