રાહુલ ગાંધીનો અમેરિકામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ, RSS-BJP પર પ્રહાર

અમેરિકા: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે છે. તેમણે  ડલાસમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ભારત જોડો યાત્રા વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રાએ મને અને દેશની રાજનીતિ બદલી નાખી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને RSS પર નિશાન પણ સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, RSSનું માનવું છે કે, ભારત એક વિચાર છે અને અમારું માનવું છે કે, ભારત વિચારોની બહુવિવિધતા છે. અમારું માનવું છે કે, તમામ લોકોને  સપના જોવાનો હક્ક હોવો જોઈએ. તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા કે ઈતિહાસની પરવાહ કર્યા વિના તેમને મુખ્ય પ્રવાહમાં સ્થાન આપવું જોઈએ.રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભાજપ અને અમારી વચ્ચે વૈચારિક સંઘર્ષ છે. ભાજપ અને RSSનું માનવું છે કે, મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવી જોઈએ. જેમ કે, ઘરમાં રહેવું, ભોજન રાંધવુ અને ઓછું બોલવું. અમારું માનવું છે કે, મહિલાઓને એ બધું કરવાની આઝાદી મળવી જોઈએ જે તેઓ કરવા માગે છે.

તેમણે કહ્યું કે, આ લડાઈ ચૂંટણીમાં વધુ સ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના લાખો લોકોને એ સમજાઈ ગયું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે.રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચ્યા હતા, જ્યાં તેઓ 10 સપ્ટેમ્બર સુધી પ્રવાસ પર રહેશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિદ્યાર્થીઓ, પત્રકારો, ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકો સાથે વાત કરશે.