રાષ્ટ્રપતિ મુર્મુ, PM મોદીએ ગણેશ ચતુર્થી પર શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણેશ ચતુર્થીના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વડા પ્રધાને આ શુભ અવસર પર સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડા પ્રધાન X પર એક પોસ્ટમાં લખ્યું હતું  કે તમામને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. ભક્તિ અને આસ્થાથી પરિપૂર્ણ આ પાવન અવસર સૌ માટે મંગલમય બને. હું ભગવાન ગજાનનને પ્રાર્થના કરું છું કે તેઓ પોતાના તમામ ભક્તોને સુખ, શાંતિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે. ગણપતિ બાપ્પા મોરિયા.

રાષ્ટ્રપતિ મુર્મુએ X પર એક પોસ્ટ શેર કરતાં ભગવાન ગણેશને જ્ઞાન અને વિવેકના દેવતા ગણાવ્યા.દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. આ મહાન તહેવાર જ્ઞાન અને વિવેકના દેવતા ભગવાન શ્રીગણેશના જન્મોત્સવ રૂપે હર્ષ અને ઉલ્લાસ સાથે ઊજવાય છે.

રાષ્ટ્રપતિએ પર્યાવરણ અનુકૂળ તહેવારો અપનાવવાની અપીલ કરી તથા એક મજબૂત ભારતના નિર્માણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે હું વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશને પ્રાર્થના કરું છું કે તેઓ વ્યક્તિ-નિર્માણ અને રાષ્ટ્ર-નિર્માણના માર્ગમાં આવેલી તમામ અડચણો દૂર કરતા રહે તથા તેમના આશીર્વાદથી દેશવાસીઓ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવી સશક્ત ભારતના નિર્માણ માટે સમર્પિત રહે. ગણપતિ બાપ્પા મોરિયા!”

આ પહેલાં ગણેશ ચતુર્થીના અવસર પર પૂજા-અર્ચના કરવા માટે ભક્તોની ભીડ મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ઊમટી હતી. આ ઉત્સવ માટે, લોકો ભગવાન ગણેશની મૂર્તિઓ પોતાના ઘરોમાં લાવે છે, ઉપવાસ રાખે છે, સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને તહેવાર દરમિયાન પંડાલોમાં જાય છે. દેશભરમાં ઉજવાતા આ તહેવારમાં લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે મંદિરો અને મંડળોમાં એકત્ર થાય છે.

આ પહેલા જુલાઈમાં મહારાષ્ટ્ર સરકારે જાહેર ગણેશોત્સવને “મહારાષ્ટ્ર રાજ્ય મહોત્સવ” જાહેર કર્યો હતો. સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જાહેર ગણેશોત્સવની પરંપરા 1893માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવી હતી.