લખનૌઃ યુપી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATSએ) હિંસક જેહાદના માધ્યમથી દેશમાં ચૂંટાયેલી સરકાર પાડીને શરિયા કાયદો લાગુ કરવાનું ષડયંત્ર રચવાના આરોપસર રાજ્યનાં અલગ-અલગ સ્થળોથી ચાર લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓની યોજના એક મુજાહિદીન આર્મી ઊભી કરવાની અને હથિયારો ખરીદવાની પણ હતી.
રાજ્યમાંથી પકડાયેલા લોકોમાં સુલતાનપુરનો રહેવાસી અકમલ રઝા, સોનભદ્રનો સોફીલ સલમાની ઉર્ફે અલી રઝવી, કાનપુરનો મહંમદ તૌસીફ અને રામપુરનો કાસિમ અલી સામેલ છે. ATSએ દાવો કર્યો હતો કે તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને અન્ય સામાન મળી આવ્યો છે.
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓના લોકો પાકિસ્તાનના અતિરાષ્ટ્રવાદી સંગઠનો પ્રભાવિત થઈને હિંસક જેહાદ મારફતે ચૂંટાયેલી સરકાર ઉખાડી ફેંકવા અને હથિયારની મદદથી શરિયા કાયદો લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
लोकतांत्रिक व्यवस्था को हटाकर शरीयत व्यवस्था कायम करने का मंसूबा रखने वाले 04 अभियुक्तों को #UPATS द्वारा गिरफ्तार किया गया है।
अभियुक्त समान मानसिकता वाले लोगों को रेडिकलाइस्ड करके जोड़ रहे थे और अपनी कट्टर धार्मिक मानसिकता के चलते वो कई लोगों को चिन्हित कर उनके खात्मे के लिए… pic.twitter.com/TVuX5tMGzL
— UP POLICE (@Uppolice) September 29, 2025
તેઓ અલગ-અલગ સ્થળોએ બેઠક કરી રહ્યા હતા અને સોશિયલ મિડિયા ગ્રુપમાં સક્રિય હતા. આરોપ છે કે તેઓ ઓડિયો ચેટ અને વિડિયો મોકલીને લોકોને ભડકાવી રહ્યા હતા અને આતંકી પ્રવૃત્તિઓ માટે હથિયારો અને અન્ય સામગ્રી ખરીદવા પૈસા એકત્ર કરી રહ્યા હતા. આ જૂથોએ ભવિષ્યમાં ગેર-મુસ્લિમ ધાર્મિક નેતાઓની ટારગેટ કિલિંગ કરવાની પણ યોજના બનાવી હતી. આ મામલે ATS પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ મુસ્લિમો પર થયેલા કથિત અત્યાચારનો બદલો લેવા માટે ગેર-મુસ્લિમો સામે જેહાદ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. તે માટે તેઓ એકસમાન વિચારસરણી ધરાવતા લોકોને કટ્ટરપંથી બનાવીને તેમની ભરતી કરી રહ્યા હતા અને અનેક ટારગેટોની ઓળખ કરી હતી. અધિકારીઓએ દાવો કર્યો કે આરોપીઓ હિંસક જેહાદી સાહિત્ય એકત્ર કરવાના, લખવાના અને વહેંચવાના કામમાં સામેલ હતા અને આ પ્રવૃત્તિઓ માટે આતંકી જૂથ ઊભું કરવાની દિશામાં સક્રિય રીતે કામ કરી રહ્યા હતા.


