ગાઝા: અમેરિકા, કતાર અને ઇજિપ્તે મળીને ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હતું. જે મોટાભાગે સફળ રહ્યું હોય તેવું લાગે છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટોના આગામી તબક્કા માટે તેમના દેશનું એક પ્રતિનિધિમંડળ રવિવારે કતાર પહોંચ્યું હતું. હમાસ સાથેના યુદ્ધવિરામ કરાર હેઠળ ઇઝરાયલી સૈન્ય ગાઝાના એક મુખ્ય ક્રોસિંગ પોઈન્ટ પરથી ખસી ગયું છે. અગાઉ, માહિતી આવી હતી કે ઇઝરાયલી સેનાએ રવિવારે ગાઝામાં નેત્ઝારિમ કોરિડોરથી પીછેહઠ શરૂ કરી દીધી છે. ઇઝરાયલી સુરક્ષા સૂત્રએ પુષ્ટિ આપી કે સેના ત્યાંના પોતાના સ્થાનો છોડી રહી છે.‘ગાઝા વહીવટીતંત્ર ચર્ચામાં સામેલ થશે’
ગયા અઠવાડિયે નેતન્યાહૂની અમેરિકા મુલાકાત બાદ, યુદ્ધવિરામના આગામી તબક્કા અંગે ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચે પરોક્ષ વાટાઘાટો આ અઠવાડિયે શરૂ થવાની છે. જો કે, નેતન્યાહૂના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયે, ઇઝરાયલી પ્રતિનિધિમંડળ ફક્ત ટેકનિકલ મુદ્દાઓ પર ચર્ચા કરશે, ચર્ચા થનારા મુખ્ય મુદ્દાઓ પર નહીં. જેમાં યુદ્ધ પછીના ગાઝાના વહીવટનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ગયા અઠવાડિયે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે ગાઝામાંથી પેલેસ્ટિનિયનોના વિસ્થાપન અને આ વિસ્તારને યુ.એસ.ની માલિકી હેઠળ લેવાનું આહ્વાન કર્યું હતું, જે તેનું પુઃનર્નિર્માણ કરશે. પરંતુ યુ.એસ. અધિકારીઓએ પાછળથી ટ્રમ્પની કેટલીક ટિપ્પણીઓને પાછી ખેંચી લીધીઅને કહ્યું કે પેલેસ્ટિનિયનો ગાઝા પાછા ફરી શકે છે જો વપરાયેલ દારૂગોળો દૂર કરવામાં આવે અને વિસ્તાર ફરીથી બનાવવામાં આવે. ઇઝરાયલી અધિકારીઓએ ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત કર્યું. નેતન્યાહૂના કાર્યાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, નેતન્યાહૂના સુરક્ષા મંત્રીમંડળમાં મંગળવારે ટ્રમ્પના પ્રસ્તાવ તેમજ યુદ્ધવિરામના બીજા તબક્કાની ચર્ચા થવાની હતી.ગાઝાના લોકો ઘરે પાછા ફરવા લાગ્યા
ઇઝરાયલે ગાઝા શહેરની દક્ષિણે આશરે 4 માઇલ (6 કિમી) લાંબા કોરિડોર પર કબજો કર્યો હતો. જે ઇઝરાયલી સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી ફેલાયેલો છે. આ કોરિડોર ગાઝાના ઉત્તર ભાગને દક્ષિણથી કાપી નાખે છે. જેમાં તેના સૌથી મોટા મેટ્રોપોલિટન વિસ્તારનો પણ સમાવેશ થાય છે. તાજેતરના અઠવાડિયામાં, હજારો પેલેસ્ટિનિયનો આ કોરિડોર દ્વારા દક્ષિણ ગાઝાથી ઉત્તરમાં તેમના ઘરો તરફ પાછા ફરી રહ્યા છે. જ્યાં તેઓએ યુદ્ધથી બચવા માટે આશરો લીધો હતો. ઇઝરાયલના વિનાશક અભિયાનને કારણે ઉત્તર ગાઝાનો મોટાભાગનો ભાગ ઉજ્જડ બની ગયો છે. પોતાના ઘરોનો નાશ થતો જોઈને, કેટલાક ગાઝાવાસીઓ દક્ષિણ તરફ પાછા ફર્યા છે, જ્યારે કેટલાક લોકોએ એવા સ્થળોએ તંબુઓ લગાવ્યા છે જ્યાં તેમના ઘર એક સમયે હતા.ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 19 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને છ અઠવાડિયા સુધી ચાલશે અને તેમાં હમાસ 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે અને બદલામાં ઇઝરાયલ તેની જેલમાંથી લગભગ 2,000 પેલેસ્ટિનિયન અટકાયતીઓ અને કેદીઓને મુક્ત કરશે.